નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વનડે સીરિઝ પણ 2-1થી કબજે કરી લીધી છે. આ મેચમાં ભારતને જીતવા માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ઈન્ડિયાએ 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ODI સિરીઝ જીત્યા બાદ સેલિબ્રેટ કરવું તો બને જ છે અને ભારતીય ખેલાડી તેમાં પાછળ ક્યાં રહેવાના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ખેલાડી બોલો તારા રા રા... ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ટીમના તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. બોલો તારા રા રા... ગીત દલેર મહેંદીએ ગાયું છે. આ ગીત વર્ષ 1995માં રિલીઝ થયું હતું. આટલા વર્ષો પછી પણ આ ગીતની લોકપ્રિયતા બરકરાર છે.



આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર પણ જ્યારે ભારતીય ટીમે વનડે સીરિઝમાં યજમાન ટીમને હરાવી હતી, તે સમયે પણ ભારતીય ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. તે દરમિયાન ભારતીય ખેલાડીઓએ 'કાલા ચશ્મા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. ખાસ વાત એ હતી કે શિખર ધવન તે પ્રવાસમાં ટીમનો કેપ્ટન હતો અને તેણે ડાન્સનો વીડિયો શેર કર્યો હતો.


મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. આખી ટીમ 27.1 ઓવરમાં માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકા માટે માત્ર જાનેમન મલાન, હેનરિક ક્લાસેન અને માર્કો જાનસેન બે આંકડા સુધી પહોંચી શક્યા. હેનરિચ ક્લાસેન 34, મલાન 15 અને જેન્સને 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ લીધી હતી.