એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તેની ઈચ્છા ટેસ્ટ ફોર્મેટમાં ભારતને મહાશક્તિ (સુપરપાવર) બનાવવાની છે. આ સાથે કોહલીએ કહ્યું કે, તેના માટે ટેસ્ટ ક્રિકેટ હંમેશા પ્રાથમિકતા રહેશે અને જો ભારતીય ક્રિકેટમાં તેને સન્માન મળે તો ક્રિકેટનું આ ફોર્મેટ હંમેશા ટોપ પર રહેશે. કોહલીની આગેવાનીમાં ભારતે હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, હું આને લક્ષ્ય નહીં પણ વિઝન કહીશ. હું ભારતને ટેસ્ટ ક્રિકેટમાં સુપરપાવર બનતું જોવા ઈચ્છું છું અને આવનારા દિવસોમાં ભારતને ટેસ્ટમાં સૌથી મજબૂત ટીમ બનતી જોવા ઈચ્છું છું. મને લાગે છે કે, ભારતીય ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટને સન્માન આપે છે અને ભારતીય ખેલાડી પણ તેને ઈજ્જત આપે છે તો ટેસ્ટ ક્રિકેટ હંમેશા સર્વોચ્ચ સ્થાને રહેશે. 


કોહલીએ કહ્યું, નાનું ફોર્મેટ ક્રિકેટની લોકપ્રિયતા માટે જરૂરી છે પરંતુ માત્ર તેના પર ધ્યાન આપવામાં આવે છે અને તેનું નામ લઈને ટેસ્ટ ક્રિકેટથી બચવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આવનારા દિવસોમાં સમસ્યા થઈ શકે છે. બેટિંગમાં નવા નવા રેકોર્ડ બનાવી રહેલા વિરાટે યુવાનોને સંદેશ આપ્યો કે, માત્ર સીમિત ઓવરોના ફોર્મેટ પર ધ્યાન આપવું ટેસ્ટ ક્રિકેટના પડકારોનો સામનો કરવામાં અસમર્થ હોવાનું બહાનું ન હોવું જોઈએ. 25 ટેસ્ટ સદી ફટકારી ચુકેલા વિશ્વના નંબર એક બેટ્સમેને ચેતવ્યા કે યુવા જો પાંચ દિવસના ક્રિકેટમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેને માનસિક સમસ્યા થશે. 


કોહલીએ કહ્યું, ભારતના હાલના ટેસ્ટ ક્રિકેટર યુવા પેઢી માટે ઉદાહરણ રજૂ કરવાના પ્રયાસમાં છે. તેણે પોતાનું કામ સરળ કરવા માટે કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો હતો. કોહલીએ પોતાના અને કોચ રવિ શાસ્ત્રીના સંબંધો પર પણ ખુલીને વાત કરી અને કહ્યું કોચ હંમેશા ઈમાનદારીથી તેની સામે વાત રાખે છે. 


ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ ઘરની બહાર નથી નિકળ્યો હાર્દિક પંડ્યા, સંક્રાત પણ ન મનાવી 


ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું, 2014માં જ્યારથી શાસ્ત્રી આવ્યા છે ત્યારથી મને ઈમાનદારી પૂર્વક ફીડબેક આપે છે. મને યાદ છે કે જ્યારે ઈંગ્લેન્ડમાં મેં એક મેચમાં સદી અને અડધી સદી ફટકારી હતી ત્યારે તેમણે મને કહ્યું હતું કે, તારી બેટિંગ વિશે મારે કશું કહેવું નથી, પરંતુ કેપ્ટનશિપ વિશે વાત કરવી પડશે કે કેમ ખેલાડીઓ પાસેથી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકાય. તેનાથી મારામાં ઘણો ફેર પડ્યો છે કારણ કે હું જાણું છું કે ઘણીવાર તમે જેટલું વિચારો છો કેપ્ટનશિપમાં તેનાથી વધારે આપવું પડે છે.