IPL 2024 માં આ 20 ખેલાડીઓ પર નજર રાખશે અજીત અગરકર, તેમાંથી થશે ટી20 વિશ્વકપ માટે પસંદગી
IPL 2024: 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન શરૂ થઈ રહી છે. પરંતુ આ વર્ષે આઈપીએલ ટૂર્નામેન્ટ ખાસ રહેવાની છે. આઈપીએલ બાદ ટી20 વિશ્વકપની શરૂઆત થવાની છે. તેવામાં પસંદગીકારોની નજર આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે.
નવી દિલ્હીઃ માત્ર ગણતરીના દિવસોમાં IPL 2024 ની શરૂઆત થવાની છે અને ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન ખુબ મહત્વની છે, કારણ કે તેના પ્રદર્શનના આધારે આગામી ટી20 વિશ્વકપ 2024ની ટીમ તૈયાર કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈ મેનેજમેન્ટે પહેલા જ કેટલાક ખેલાડીઓને ટી20 વિશ્વકપ માટે નક્કી કરી લીધા છે અને બાકી ખેલાડીઓની પસંદગી IPL 2024 ના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે. આ કારણે દરેક ભારતીય ખેલાડી આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. કારણ કે આઈપીએલમાં પસંદગીકારોની ખાસ નજર રહેશે.
રોહિત શર્મા હશે કેપ્ટન
બીસીસીઆઈ આગામી ટી20 વિશ્વકપ માટે જે 15 ખેલાડીઓની જાહેરાત કરશે તેની કમાન રોહિત શર્માના હાથમાં હશે. રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી શાનદાર રીતે ટીમ સંભાળી રહ્યો છે. તેવામાં વિશ્વકપમાં પણ તેની પાસે કેપ્ટનની જવાબદારી રહેશે. સાથે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
આ ખેલાડીઓના પ્રદર્શન રાખવામાં આવશે ધ્યાન
આઈપીએલ 2024ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે અને આ મેચથી પસંદગીકારો ખેલાડીઓ પર નજર રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે મેનેજમેન્ટ આઈપીએલમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહના પ્રદર્શન ઉપર ખાસ ધ્યાન રાખશે. આ દરેક ખેલાડીઓ ટી20 વિશ્વકપમાં રમવાના તે નક્કી છે.
આ પણ વાંચોઃ IPL 2024: ઓપનિંગ મેચ સાથે જોડાયેલું છે 'બેડ લક', ધોની અને કોહલી માટે નથી સારા સમાચાર
અન્ય ખેલાડીઓ પર રહેશે નજર
બીસીસીઆઈ પસંદગીકારો આગામી ટી20 વિશ્વકપને જોતા આઈપીએલ પર નજર રાખશે. તેવામાં ટીમ મેનેજમેન્ટની નજર અન્ય ખેલાડીઓ પર પણ રહેવાની છે. સૂત્રો પ્રમાણે આઈપીએલ દરમિયાન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિંકૂ સિંહ, તિલક વર્મા જેવા ખેલાડીઓ પર નજર રખાશે.
તો વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને રિષભ પંત પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર રહેવાની છે. જ્યારે ઓલરાઉન્ડર તરીકે વોશિંગટન સુંદર અને અક્ષર પટેલ પર પણ નજર રહેવાની છે. બોલરની વાત કરીએ તો રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, ઉમરાન મલિક અને આકાશદીપ પર ટીમ મેનેજમેન્ટની નજર રહેશે.
5 જૂને વિશ્વકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઈન્ડિયા
આગામી ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ વિરુદ્ધ રમીને કરશે. ત્યારબાદ ટીમે 9 જૂને પાકિસ્તાન સામે પોતાની મોટી મેચ રમવાની છે. ત્યારબાદ 12 જૂને ટીમ ઈન્ડિયા પોતાની ત્રીજી મેચ યુએસએ વિરુદ્ધ અને 15 જૂને કેનેડા વિરુદ્ધ અંતિમ લીગ મેચ રમશે.