અલ જજીરા સ્ટિંગઃ ICCએ કહ્યું, સ્પૉટ ફિક્સિંગ તપાસમાં મદદ કરતી નથી ચેનલ
ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો છે કે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશો તે ટીમોમાં સામેલ હોઈ શકે છે જેને છેલ્લા બે વર્ષોમાં મેચ ફિક્સરોએ પ્રભાવિત કર્યા.
દુબઈઃ આઈસીસીએ 27 મેએ દાવો કર્યો હતો કે, અલ જજીરા સ્પોટ ફિક્સિંગના આરોપોની તેની તપાસમાં યોગ્ય સહયોગ આપી રહ્યું નથી. આ ટીવી ચેનલે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમો સાથે જોડાયેલા ફિક્સિંગના આરોપ લગાવ્યા છે. ચેનલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો કે, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા દેશો તે ટીમોમાં સામેલ હોઈ શકે છે જેને છેલ્લા બે વર્ષમાં ફિક્સરોએ પ્રભાવિત કર્યાં છે.
આઈસીસીએ નિવેદનમાં કહ્યું, અમારી પ્રસારકો સાથે વાત ચાલી રહી છે. તેમણે અમારો સહયોગ કરવા અને જાણકારી આપવાના આગ્રહને નકાર્યો છે જેથી અત્યાર સુધી અમારી તપાસમાં વિક્ષેપ પડ્યો છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું કે, તે આ આરોપોને ગંભીરતાથી લઈ રહી છે અને તેણે 27 મેએ પ્રસારિત થયેલા આ પૂરા સ્ટિંગ આપરેશનને જોયું છે.
બીજા સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટેસ્ટ રમનાર મોટા દેશો ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ મેચ ફિક્સિંગ કરનારા પ્રભાવિત મેચોની યાદીમાં સામેલ હોઈ શકે છે, પરંતુ બંન્ને દેશોના ક્રિકેટ બોર્ડે કોઈ કાર્યવાહી કરતા પહેલા આઈસીસીની હાલની તપાસ પૂર્ણ થવા સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટિંગ અલ જજીરા ચેનલે કર્યું છે અને જે મેચો પર સવાલ કર્યો છે, તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં 26 થી 29 જુલાઈ 2017ની ટેસ્ટ મેચ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 16 થી 20 માર્ચ 2017 સુધીની મેચ અને ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 16 થી 20 ડિસેમ્બર સુધી રમાયેલી ટેસ્ટ સામેલ છે.
ગાલે અને ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે રાંચીની મેચ ડ્રો રહી હતી. આરોપ છે કે, ફિક્સિંગ કરનારના કહેવા પર પિચ (ભારત-શ્રીલંકા)માં ફેરફારની આશંકા છે. અન્ય બે મેચોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ભારતીય ખેલાડીનું નામ સામે આવ્યું નથી.