નવી દિલ્હીઃ વિશ્વકપ-2019મા બે ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા છતાં તક ન મળવા પર અંબાતી રાયડૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. રાયડૂને વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતની પસંદગી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયા બાદ વિશ્વકપમાંથી બહાર થયો અને તેના સ્થાને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી હતી. 33 વર્ષીય અંબાતી રાયડૂએ ભારત તરફથી 55 વનડેમાં 47.05ની એવરેજથી 1694 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 10 અડધી સદી સામેલ છે. 


અંબાતી રાયડૂએ 6 ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાયડૂએ પોતાનું વનડે પર્દાપણ જુલાઈ 2013મા કર્યું હતું. વિશ્વકપ માટે ચોથા સ્થાન પર પોતાની દાવેદારી મજબૂત કરવા માટે રાયડૂએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા જ નિવૃતી લઈ લીધી હતી. તેણે અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. 


મહત્વનું છે કે આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે રાયડૂને પોતાના દેશની નાગરિકતાની ઓફર કરી છે. તેના ટ્વીટર એકાઉન્ડ પર નાગરિકતા લેવાના તમામ નિયમ-કાયદાનું લિસ્ટ પણ મુકવામાં આવ્યું છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે આઈસલેન્ડ બોર્ડે કેટલી ગંભીરતાથી આ ટ્વીટ કર્યું છે કારણ કે તેની ઓળખ ફની અને રસપ્રદ કોમેન્ટ કરવાની રહી છે. 


આઇસલેન્ડ બોર્ડે લખ્યું છે, અગ્રવાલના પ્રોફેશનલ ક્રિકેટરમાં 72.33ની એવરેજથી 3 વિકેટ ઝડપી છે તેથી અંબાતી રાયડૂ પોતાના 3D ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે દસ્તાવેજ તૈયાર કર્યાં છે અને તેને વાંચવા માટે માત્ર સાદા ચશ્મા જ જોઈએ. અમારી સાથે જોડાઈ જાઓ અંબાતી. અમને રાયડૂ સાથે જોડાયેલી વાતો પસંદ છે. 


વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ થવા માટે અગ્રવાલની પસંદગી થયા બાદ રાયડૂને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ મધ્યમ ક્રમના બેટ્સમેન શા માટે નિવૃતી લીધી છે તેનું કારણ જાણવા મળ્યું નથી.