આંતરરાષ્ટ્રીય મેચમાં બોલિંગ નહીં કરી શકે રાયડૂ, ICCએ કર્યો સસ્પેન્ડ
આઈસીસીના નિયમ પ્રમાણે જ્યારે કોઈ ક્રિકેટરની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાય તો તેણે 14 દિવસની અંદર પોતાની બોલિંગ એક્શનનો ટેસ્ટ આપવાનો હોય છે. આ કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂને સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ જાણકારી આપી હતી. આઈસીસીએ જણાવ્યું કે, રાયડૂએ પોતાની બોલિંગ એક્શનનો ટેસ્ટ શંકાસ્પદ જણાયાના 14 દિવસમાં આપવાનો હતો પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
આઈસીસીના નિયમ પ્રમાણે જ્યારે કોઈ ક્રિકેટરની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાય તો તેણે 14 દિવસની અંદર પોતાની બોલિંગ એક્શનનો ટેસ્ટ આપવાનો હોય છે. આ કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સસ્પેન્શન ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી તે પોતાનો ટેસ્ટ ન આપે અને તેની બોલિંગ એક્શન કાયદેસર ન થાય.
આઈસીસીનો નિર્ણય તે સમયે આવ્યો જ્યારે અંબાતી રાયડૂ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડમાં ધમાલ મચાવી રહેલી ભારતીય ટીમ માટે રાયડૂ પર પ્રતિબંધનો નિર્ણય એક ઝટકા સમાન છે.
33 વર્ષના રાયડૂને પ્રથમવાર 13 જાન્યુઆરીએ શંકાસ્પદ એક્શનને કારણે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં સિરીઝની પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રાયડૂની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. રાયડૂએ ત્યારે બે ઓવર બોલિંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાયડૂના નામે માત્ર 3 વિકેટ છે અને તેણે 50 મેચોની 9 ઈનિંગમાં બોલિંગ કરી છે.