દિગ્ગજ ક્રિકેટરે વિરાટ કોહલી પર કર્યો ચોંકાવનારો ખુલાસો, ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો, ફેન્સ સ્તબ્ધ
લખનઉ સુપર જાયન્ટ્સના જ એક ખેલાડી અમિત મિશ્રાએ વિરાટ કોહલી પર મોટો આરોપ લગાવ્યો છે. અનુભવી સ્પીનર અમિત મિશ્રાએ કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીના વ્યવહારમાં આવેલા ફેરફાર પર કેટલાક વિસ્ફોટક ખુલાસા કર્યા છે તથા આ ઉપરાંત ગંભીર સાથેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું છે.
આઈપીએલ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા ઝઘડાથી તો સૌ કોઈ માહિતગાર હશે. આઈપીએલ 2023માં જ્યારે ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર હતા ત્યારે આરસીબી સાથે રમાયેલી એક મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આઈપીએલ 2024 દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે આ વિવાદનો અંત આવતો જોવા મળ્યો. કેકેઆર અને આરસીબીની એક મેચ પહેલા આ બંને ખેલાડીઓ મેદાન પર એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે લખનઉ સુપર જાયન્ટ્સના જ એક ખેલાડી અમિત મિશ્રાએ વિરાટ કોહલી પર મોટો આરોપ લગાવ્યો છે.
અત્રે જણાવવાનું કે અનુભવી સ્પીનર અમિત મિશ્રાએ કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીના વ્યવહારમાં આવેલા ફેરફાર પર કેટલાક વિસ્ફોટક ખુલાસા કર્યા છે તથા આ ઉપરાંત ગંભીર સાથેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું છે. વર્ષ 2015થી 2017 વચ્ચે કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમી ચૂકેલા આ અનુભવી લેગ સ્પીનરે જે કહ્યું કે તે ભારતીય ક્રિકેટમાં ભૂકંપ સર્જે તો નવાઈ નહીં.
શું કહ્યું મિશ્રાજીએ?
અમિત મિશ્રાએ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અંતર હોવાનું જણાવી કહ્યું કે કેવી રીતે એક પરિસ્થિતિઓ સાથે બદલાઈ ગયો જ્યારે બીજો પહેલા દિવસથી એવોને એવો જ રહ્યો. કોહલી અને રોહિતે માંડ એક વર્ષના ગાળામાં ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તો આગામી એક દાયકામાં બંને ભારતીય બેટિંગ ઓર્ડરની કરોડરજ્જુ બની ગયા. હવે બંનેએ સાથે જ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. બંને વચ્ચે અનેક સમાનતાઓ છે.
પાવર મળતા જ બદલાઈ ગયો વિરાટ?
રોહિત સાથે પોતાના સમીકરણો પર બોલતા અમિત મિશ્રાએ કહ્યું કે તેઓ અને ભારતના હાલના કેપ્ટન ક્રિકેટના શરૂઆતના સમયથી જ ખુબ ખુશમિજાજ અને મિત્રતાપૂર્ણ સંબંધ ધરાવે છે પરંતુ તેમને કોહલી પાસેથી આવી આશા નહતી. મિશ્રાએ એવો પણ ખુલાસો કર્યો કે કોહલીના સ્વભાવમાં ફેરફારના કારણે ભારતીય ટીમમાં તેમના ઓછા મિત્રો રહી ગયા છે. યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું ખેલાડીઓ વચ્ચે વિરાટ કોહલી માટે સચિન તેંડુલકર કે એમએસ ધોની જેવું જ સન્માન છે તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, દરેક જણ બહુ ઈમાનદાર હોતા નથી. હું ખોટું નહીં બોલું. એક ક્રિકેટર તરીકે હું તેમનું ખુબ સન્માન કરું છું પરંતુ તેમની સાથે સંબંધો પહેલા જેવા નથી રહ્યા.
રોહિત સાથે હજુ પણ એવી જ ફિલિંગ
આ સવાલના જવાબ પર અમિત મિશ્રા કહે છે કે હું વર્ષોથી ભારતીય ટીમનો ભાગ રહ્યો નથી. આમ છતાં જ્યારે પણ આઈપીએલ કે કોઈ અન્ય કાર્યક્રમ દરમિયાન રોહિતને મળું છું, તો તેઓ હંમેશા મારી સાથે મજાક કરે છે. તેઓ શું વિચારશે એવું મારે વિચારવાની જરૂર નથી પડતી. અમે દરેક સાથે મજાક કરીએ છીએ. તેઓ ટોપ પર છે પરંતુ અમે હજુ પણ એવો જ તાલમેળ જાળવી રાખ્યો છે. તેઓ કેપ્ટન છે, તેમણે વિશ્વ કપ અને પાંચ આઈપીએલ ખિતાબ જીત્યા છે.
વાતચીત લગભગ બંધ
2008માં ડેબ્યુ કરનારા મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી નવ મેચ કોહલીની કેપ્ટનશીપમાં રમી હતી. તેમની છેલ્લી ટેસ્ટ મેચ પણ વિરાટની કેપ્ટન્સીમાં જ રમાઈ હતી. આ દરમિયાન મિશ્રાએ 33 વિકેટ લીધી પરંતુ લેગ સ્પીનરને એ વાતનો રંજ છે કે સમય સાથે કોહલી સાથેના તેમના સંબંધ એ હદે ઘટી ગયા કે તેમના વચ્ચે વાતચીત લગભગ બંધ થઈ ગઈ. ક્રિકેટ જગતમાં મિશ્રાજીના નામથી જાણીતા અમિત મિશ્રાએ કહ્યું કે જ્યારે કોહલી કેપ્ટન બન્યા અને ત્યારબાદ મળેલી સફળતા પછી તેમના વર્તનમાં ભારે અંતર હતું. મેં વિરાટને ખુબ બદલાતા જોયો છે. અમે વાત કરવાનું લગભગ બંધ કરી દીધુ હતું. જ્યારે કોઈ વ્યક્તિ પાસે ફેમ કે પાવર આવી જાય છે ત્યારે તે વિચારવા લાગે છે કે તેની પાસે પહોંચનાર વ્યક્તિ જરૂર કોઈ જરૂરિયાતને કારણે આવ્યો હશે. હું તેમાંથી ક્યારેય નહતો. હું ચીકૂને ત્યારથી જાણું છું જ્યારે તે 14 વર્ષનો હતો. જ્યારે તે સમોસા ખાતો હતો, જ્યારે તેને રોજ રાતે પિઝાની જરૂર પડતી હતી, પરંતુ ચીકૂ અને કેપ્ટન વિરાટ કોહલીમાં ખુબ અંતર છે. જ્યારે પણ તે મને મળે છે ત્યારે ખુબ સન્માન આપે છે, પરંતુ હવે તેઓ પહેલા જેવા નથી રહ્યા.
ગંભીરે ખતમ કર્યો વિવાદ?
શુભાંકર મિશ્રા સાથે પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન અમિત મિશ્રાએ એમ પણ જણાવ્યું કે ગૌતમ ગંભીરની સારી વાત એ હતી કે તેઓ પોતે કોહલી પાસે ગયા હતા. ગંભીરે કોહલી પાસે તેમના અને તેમના પરિવારના હાલચાલ જાણ્યા હતા. જ્યારે કોહલીએ ગંભીર પાસે જઈને વિવાદ ખતમ કરવાની જરૂર હતી. તે સમયે પણ ગૌતમે મોટું મન દાખવ્યું અને ઝઘડાને ખતમ કરવા માટે પહેલ કરી હતી. જો કે કોહલીએ કહેવું જોઈતું હતું કે ગૌતી ભાઈ ચાલો ઝઘડો ખતમ કરી લઈએ.
અત્રે જણાવવાનું કે અમિત મિશ્રાએ આમ તો ઓફિશિયલી નિવૃત્તિ જાહેર કરી નથી પરંતુ હવે તેઓ ડોમેસ્ટિક અને આઈપીએલમાં રમતા જોવા મળે છે. અમિત મિશ્રાએ પોતાની ટીમ ઈન્ડિયા સાથેની સફરમાં 22 ટેસ્ટ, 36 ઓડીઆઈ, 10 ટી20 મેચો રમી છે જેમાં 156 વિકેટ લીધી છે.