Chess Olympiad: આનંદની જીત સાથે શરૂઆત, ભારતીય મહિલાઓએ 4 અને પુરૂષોએ 3 ગેમ્સ જીતી
ભારતીય પુરૂષ ટીમે ઓસ્ટ્રિયાને 3.5-0.5થી હરાવ્યા. મહિલા ટીમે વેનેજુએલાને 4-0થી પરાજય આપ્યો હતો.
બાતુમી (જાર્જિયા): ભારતીય પુરૂષ ટીમે 43મી ચેસ ઓલંપિયાડમાં સતત બીજી જીત મેળવી છે. તેણે ઓસ્ટ્રિયાને 3.5-0.5થી કારમો પરાજય આપ્યો હતો. સતત બીજી જીતની સાથે ભારતીય ટીમ 40 અન્ય ટીમોની સાથે ચાર પોઈન્ટ લઈને સંયુક્ત લીડ પર છે. ભારતનો આગામી મેચ કેનેડા સામે છે. ભારતીય પુરૂષ ટીમ છેલ્લા બે ઓલંપિયાડમાં ત્રીજા અને ચોથા સ્થાને રહી હતી.
12 વર્ષ બાદ આનંદનું આગમન
ભારતીય ટીમમાં 12 વર્ષ બાદ પરત ફરેલા રેપિડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે ઓલંપિયાડમાં શાનદાર પ્રારંભ કર્યો હતો. તેણે ઓસ્ટ્રિયાના માર્કસ રૈગરને પરાજય આપ્યો હતો. બીજા બોર્ડ પર પી હરિકૃષ્ણાએ વેલેન્ટાઇન ડ્રૈગનેવની અંતિમ ક્ષણની ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને જીત પોતાના નામે કરી હતી. વિદિત ગુજરાતીએ આંદ્રિયાસ ડીરમેયર પર જીત મેળવીને ભારતને લીડ અપાવી હતી. ચોથા બોર્ડ પર બી અધિબાન અને પીટર શ્રેનરની બાજી ડ્રો રહી હતી.
મહિલા ટીમે જીતી તમામ મેચ
ભારતીય મહિલા ટીમે વેનેજુએલા પર 4-0થી જીત મેળવી છે. મુખ્ય બોર્ડ પર ડી હરિકાએ સરાઈ કારોલિયા સાંચેજ કાસ્ટિલોને હરાવી હતી. બીજા બોર્ડ પર તાનિયા ચસદેવે અમેલિયા હર્નાડેઝ બોનિલા પર જીત મેળવી હતી. ઈશા કારવડેએ પણ તાઇરૂ મૈનુએલા વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. રાષ્ટ્રીય ચેમ્પિયન પદ્મિની રાઉતે કોરાલ્સ પૈટિનો ગર્સિયાને હરાવીને ક્લિન સ્વીપ કરી હતી.
33 ટીમોની સાથે ટોપ પર છે મહિલા ટીમ
મહિલાના વર્ગમાં 33 ટીમો સંયુક્ત લીડ પર છે. ભારતનો સામનો હવે સર્બિયા સામે થશે, જેની સાથે તેને પડકાર મળી શકે છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી દરેક ટીમમાં 5-5 ખેલાડીઓ હોય છે, જેમાંથી ચાર ગેમ્સ માટે ઉતરે છે. ટીમ દરેક મેચમાં પોતાના એક ખેલાડીને આરામ આપી શકે છે.
ઉઝ્બેકિસ્તાને રૂસને હરાવ્યું
ચેસની આ સૌથી મોટી સ્પર્ધાના બીજા દિવસે અપસેટ જોવા મળ્યા હતા. રૂસને મહિલા વર્ગમાં ઉઝ્બેકિસ્તાન સામે 1.5-2.5થી નજીવા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 43મી વિશ્વ ચેસ ઓલંપિયાડ જોર્જિયાના બાટુમીમાં રમાઈ રહી છે.