IPL 2019: એક સિઝનમાં 50 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો આંદ્રે રસેલ
એક આઈપીએલ સિઝનમાં 50 સિક્સ ફટકારનાર રસેલ બીજો બેટ્સમેન છે. તેની પહેલા ક્રિસ ગેલે માત્ર આ સિદ્ધિ મેળવી છે.
કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ એક સિંગલ આઈપીએલ સિઝનમાં 50 સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ક્રિસ ગેલે 2012ની સિઝનમાં 59 અને 2013માં 51 સિક્સ ફટકારી હતી. રસેલે 2019ની સિઝનમાં અત્યાર સુધી 50 સિક્સ ફટકારી છે. કેકેઆરે બજુ બે મેચ રમવાની છે અને રસેલ જો આ ફોર્મમાં રહ્યો તો તે ગેલના રેકોર્ડ માટે ખતરો બની શકે છે.
હાલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલા ગેલે 2012માં આરસીબી તરફથી રમતા 15 મેચોમાં 59 સિક્સ ફટકારી હતી. તો આગામી વર્ષે તેણે 16 મેચોમાં 51 સિક્સ ફટકારી હતી. આ વર્ષે ગેલ 32 સિક્સની સાથે યાદીમાં બીજા સ્થાન પર છે.
આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનોની વાત કરીએ તો ગેલ 324ના આંકડાની સાથે આ યાદીમાં સૌથી આગળ છે. એબી ડિ વિલિયર્સ 212ની સાથે બીજા નંબર પર છે. આ સાથે ગેલ સૌથી ઝડપી 4000 આઈપીએલ રન પૂરા કરનાર બેટ્સમેન છે. આંદ્રે રસેલ હંમેશા બેટિંગ ક્રમમાં છઠ્ઠા કે સાતમાં સ્થાન પર આવે છે પરંતુ રવિવારે ઈડન ગાર્ડનમાં મુંબઈ વિરુદ્ધ તે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો.
IPL 2019: ડેવિડ વોર્નરને જીત સાથે વિદાય આપવા ઈચ્છશે હૈદરાબાદ
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ હાર બાદ રસેલે પોતાના બેટિંગ ક્રમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઈ વિરુદ્ધ તેને ઉપર મોકલવામાં આવ્યો તો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેણે 40 બોલ પર 80 રનની ઈનિંગ રમી આ દરમિયાન છ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા.