પોર્ટ ઓફ સ્પેનઃ બોલ બાદ બેટિંગમાં કેપ્ટન આંદ્રે રસેલના ધમાકેદાર પ્રદર્શનથી જમૈકા તલાવાસે શાહરૂખ ખાનની ટીમ ત્રિનબાગો નાઇટ રાઇડર્ટને સીપીએલમાં હરાવીને પોતાની પ્રથમ જીત મેળવી. આંદ્રે રસેલે પહેલા શાનદાર બોલિંગ કરતા હેટ્રિક ઝડપી અને ત્યારબાદ પ્રથમ બોલ પર મળેલા જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવતા આકર્ષક સદી ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલા આ મેચમાં જમૈકા તલાવાસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી. પરંતુ ત્રિનબાગો નાઇટ રાઇડર્સે રસેલના આ નિર્ણયને ખોટો ઠેરવ્યો. નાઇટ રાઇડર્સે ન્યૂઝીલેન્ડના સ્ટાર કોલિન મુનરો, બ્રેન્ડન મેક્કુલમ અને ક્રિસ લિનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં વિશાળ 223 રન બનાવ્યા. 


આ દરમિયાન ઈનિંગની અંતિમ ઓવરમાં રસેલે મેક્કુલમ, બ્રાવો અને રામદીનની વિકેટ ઝડપીને હેટ્રિક પણ પૂરી કરી. 


223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી તલાવાસની ટીમ માટે આ લક્ષ્ય આસાન ન હતો. ઉપરથી ટીમે 6.1 ઓવરમાં પોતાના ટોપ-5 બેટ્સમેનોને વિકેટ પણ ગુમાવી દીધી હતી. અલી ખાનની શાનદાર બોલિંગ સામે તલાવાસના બેટ્સમેનો આઉટ થયા. તે સમયે લાગતું હતું કે નાઇટ રાઇડર્સ આ મેચ આસાનીથી જીતી જશે. 


પરંતુ ત્યારે મેદાન પર આવેલા કેપ્ટન આંદ્રે રસેલે શાહરૂખની ટીમ નાઇટ રાઇડર્સ પર હુમલો કર્યો. રસેલે 49 બોલમાં પોતાની ઈનિંગમાં 13 સિક્સ અને 6 ફોરની મદદથી અણનમ 121 રન બનાવ્યા અને ટીમને 19.3 ઓવરમાં જીત અપાવી. રસેલે માત્ર 40 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી જે સીપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી પણ બની ગઈ. 


આ રેકોર્ડની સાથે આંદ્રે રસેલ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં એક જ મેચમાં હેટ્રિક અને સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ કેન્ટ માટે રમતા જો ડેનલીએ મેળવી હતી. 


આંદ્રે રસેલનો સાથ કેનાર લુઇસે આપ્યો હતો. જેણે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા.