રાજકોટમાં કુલદીપ અને સુરતમાં અર્જુન તેંડુલકરે 5 વિકેટ લઈને મચાવી ધમાલ
ફરી એક વખત મુંબઈ તરફથી રમતાં અર્જુન તેંડુલકરે 8.2 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી છે. જેના લીધે મુંબઈ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું.
નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અરુજન તેંડુલકર ફરી ચર્ચામાં આવ્યો છે. અર્જુન વીનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેણે ગુજરાત સામેની મેચમાં 5 વિકેટ ઝડપી છે. અર્જુનની 5 વિકેટને કારણે ગુજરાતનું બેટિંગ લાઈન અપ તુટી ગયું. સુરતના મેદાન પર ચાલી રહેલી મેચમાં અર્જુનની ઘાતક બોલિંગને કારણે ગુજરાતની ટીમ માત્ર 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અર્જુન તેંડુલકરે દત્તેશ શાહ(0), પ્રિયેશ (1), એલ.એમ. કોચર(8), જયમિત પટેલ (26) અને ધ્રુવાંગ પટેલ(6) વિકેટ લીધી. ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન ધીમે-ધીમે ક્રિકેટ કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે. જોકે, હવે તે પોતાનું નામ સફળ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે જ ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 5 વિકેટ લઈને અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. કુલદીપ યાદવ એક કેલેન્ડર વર્ષમાં ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક મેચમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે.
અર્જુને મુંબઈ તરફથી રમતાં 8.2 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેના ફળસ્વરૂપે મુંબઈએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને 143 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેની સામે મુંબઈના ઓપનર સુવેન પાર્કર 67(નો.આ.) અને દિવ્યાંચ (45) પ્રથમ વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. મુંબઈની હવે પછીની ગ્રુપ મેચ બંગાળ સામે છે, ત્યાર બાદ મધ્યપ્રદેશ સાથે મંગળવારે ટકરાશે.
ગુજરાતની સિનીયર ટીમના કોચ વિજય પટેલે જણાવ્યું કે, અર્જુને સુંદર બોલિંગ કરી હતી. તે સારો ખેલાડી છે. જોકે, શ્રીલંકામાં અંડર-19માં અર્જુનનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. શ્રીલંકામાં પ્રથમ મેચમાં અર્જુને બંને ઈનિંગ્સમાં 65 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ મેચમાં અર્જુન બેટિંગમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પાછો ફર્યો હતો. બીજી મેચમાં અર્જુને બે ઈનિંગ્સમાં 72 રન આપીને એક વિકેટ લીધી હતી. આ મેચમાં અર્જુને 14 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અર્જુન તેંડલુકર અનેક વખત ટીમ ઈન્ડિયાને પણ બોલિંગની નેટ પ્રેક્ટિસ કરવતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ અર્જુને ટીમ ઈન્ડિયાને નેટ પ્રેક્ટિસ કરાવી હતી.
આ અગાઉ 2017માં ન્યુઝિલેન્ડ સામેની મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અર્જુને ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસ કરાવી હતી. ગયા વર્ષે આઈસીસી મહિલા વર્લ્ડ કપ દરમિયાન પણ અર્જુન ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નેટ પ્રેક્ટિસ કરાવતો જોવા મળ્યો હતો.
અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં કર્યું હતું સુંદર પ્રદર્શન
અર્જુન તેંડુલકરે અંડર-19 કુચ બિહાર ટ્રોફીમાં ઈન્ટર સ્ટેટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુંદર બોલિંગ કરતા મુંબઈ માટે 5 વિકેટ લીધી હતી. અર્જુને 11 ઓવરમાં 44 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે મુંબઈએ રેલવેને એક ઈનિંગ્સ અને 103 રને હરાવ્યું હતું. આસામમાં પણ અર્જુને પોતાની ટીમના વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.