નવી દિલ્હીઃ ક્રિકેટ લિજન્ટ સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે ફાસ્ટ બોલિંગમાં નિપુણ થતો જઈ રહ્યો છે. ડાબા હાથનો બોલર અર્જુન તેંડુલકર આજકાલ કે.સી. મહેન્દ્ર શીલ્ડ અંડર-19 ટૂર્નામેન્ટમાં વિજય મર્ચન્ટ ઈલેવન તરફથી રમી રહ્યો છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં જ અર્જુને વિજય માંજરેકર ઈલેવન સામે 70 રન આપીને 6 વિકેટ લીધી છે, જેના કારણે તેની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન તેંડુલકરનું આ પ્રદર્શન એકદમ યોગ્ય સમયે આવ્યું છે. ખાસ કરીને તેની નજર ઈન્ડિયા-એ અને ઈન્ડિયા અંડર-19 ટીમ પર છે. તેની શાનદાર બોલિંગને કારણે વિજય માંજરેકર ઈલેવન બીજી ઈનિંગ્સમાં માત્ર 216 રન જ બનાવી શકી હતી. અર્જુનની ટીમે ચોથી ઈનિંગ્સમાં જરૂરી રન બનાવીને મેચ જીતી લીધી હતી. 


અર્જુન ઉપરાંત પ્રગ્નેશ કનિપેલેવારે 155 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. યુવાન અર્જુન તેંડલુકરે તાજેતરમાં જ વીન માંકડ ટ્રોફીમાં શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને મુંબઈને ગુજરાત પર વિજય અપાવ્યો હતો. તેણે આ મેચમાં 5 વિકેટ લીધી હતી. અર્જુન સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગે છે, જેથી પોતાના પ્રદર્શનના બળે તે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે. 



અર્જુન તેંડુલકર ઓલરાઉન્ડર ખેલાડી છે. તે મુંબઈની અંડર-14 અને અંડર-16 ટીમમાં રમી ચૂક્યો છે. આ દરમિયાન પણ તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશ અને આસામ સામે તેના દેખાવના વખાણ પણ થયા હતા. 


અર્જુન પ્રેક્ટિસ માટે ટીમ ઈન્ડિયા જ્યાં પણ પ્રેક્ટિસ કરતો હોય ત્યાં બોલિંગ કરવા માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તે ઈંગ્લેન્ડમાં વિરાટ એન્ડ કંપની સામે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. 



આ અગાઉ ઓક્ટોબર-2017માં ન્યુઝિલેન્ડ સામેની મેચ પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં પણ અર્જુને ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવી હતી. ગયા વર્ષે આઈસીસી મહિલા વર્લ્ડ કપ દરમિયાન પણ અર્જુન ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નેટ પ્રેક્ટિસ કરાવતો જોવા મળ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ટીમોના પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ ઘણી વખત હાજર રહેતો હોય છે.