અર્શદીપ સિંહ મહારેકોર્ડ બનાવવાથી માત્ર થોડા જ પગલાં દૂર, આફ્રિકા સામે રચી શકે છે ઈતિહાસ
ટીમ ઈન્ડિયાનો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે. તે માટે અર્શદીપે આફ્રિકા સામે બાકી બે મેચમાં કમાલ કરવો પડશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ચાર મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝના પ્રથમ મુકાબલો ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કર્યો હતો. તો સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. હવે આ સિરીઝમાં બંને ટીમો 1-1થી બરોબરી પર છે. આ સિરીઝમાં અર્શદીપ સિંહ પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની શાનદાર તક છે. અર્શદીપ સિંહે આ રેકોર્ડ હાસિલ કરવા માટે થોડી વિકેટની જરૂર છે. જે તે સિરીઝની બાકી મેચોમાં કરી શકે છે.
અર્શદીપ પાસે એક શાનદાર રેકોર્ડ બનાવવાની તક
ટીમ ઈન્ડિયાના સ્ટાર ટી20 બોલર અર્શદીપ સિંહે જ્યારથી ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે સારી બોલિંગ કરી રહ્યો છે. અર્શદીપ સિંહ આ શ્રેણી દરમિયાન મોટી સિદ્ધિ મેળવી શકે છે. જો અર્શદીપ સિંહ શ્રેણીની બાકીની બે મેચોમાં 8 વિકેટ લે છે તો તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે રમતા 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 89 વિકેટ ઝડપી છે. અર્શદીપ સિંહે વર્ષ 2022માં ભારત માટે પર્દાપણ કર્યું હતું. તેણે 2022માં 33 વિકેટ, વર્ષ 2023માં 36 વિકેટ અને વર્ષ 2024માં અત્યાર સુધી 30 વિકેટ લીધી છે. અર્શદીપ હજુ આઠ વિકેટ ઝડપે તો તે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દેશે. ચહલના નામે ટી20માં 96 વિકેટ છે.
આ પણ વાંચોઃ IPL 2025 ઓક્શનમાં અનસોલ્ડ રહેશે પંત અને કેએલ રાહુલ! RCB બાદ આ ફ્રેન્ચાઇઝીએ પણ.....
ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
યુઝવેન્દ્ર ચહલ - 96 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 90 વિકેટ
જસપ્રીત બુમરાહ - 89 વિકેટ
અર્શદીપ સિંહ - 89 વિકેટ
હાર્દિક પંડ્યા - 87 વિકેટ
આ સિરીઝમાં અર્શદીપનું સાધારણ પ્રદર્શન
અર્શદીપ સિંહે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 સિરીઝમાં ખાસ પ્રદર્શન કર્યું હતું. તેણે સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રણ ઓવરમાં 25 રન આપી એક વિકેટ લીધી હતી. તો બીજી મેચમાં તેણે નિરાશ કર્યાં હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 41 રન આપી માત્ર એક વિકેટ લીધી હતી.