નવી દિલ્હીઃ એશિયા કપમાં રમાયેલી ત્રીજી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન શ્રીલંકાને વધુ એક વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાને લંકાને 91 રને હરાવ્યું હતું. એશિયા કપમાં શ્રીલંકાની આ સતત બીજી હાર છે. આ સાથે શ્રીલંકા એશિયાકપમાંથી બહાર પણ થઈ ગયું છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 137 રને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 249 રન બનાવ્યા અને લંકાને જીતવા માટે 250 રનનો પડકારજનક લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 41.2 ઓવરમાં 158 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


આ પહેલા થિસારા પરેરાએ પોતાના વનડે કેરિયરમાં ચોથી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. પરંતુ અફઘાનિસ્તાનના ટોંચના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી શ્રીલંકા વિરુદ્ધ એશિયા કપ ગ્રુપ બીના મેચમાં 249 રન બનાવવામાં સફળ રહ્યું હતું. 


અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ શહજાદ (34), ઇંસાનુલ્લાહ જનાત (45), રહમત શાહ (72) અને હશમતુલ્લાહ શાહિદી (37)એ શાનદાર બેટિંગ કરી હતી. અફઘાનિસ્તાનનો સ્કોર એક સમયે 3 વિકેટે 190 રન હતો પરંતુ ત્યારબાદ લંકાએ શાનદાર વાપસી કરી હતી. 


અફઘાનિસ્તાને અંતિમ નવ ઓવરમાં ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં વિકેટો ગુમાવી અને ટીમ 50મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. થિસારા પરેરાએ 55 રન આપીને પાંચ વિકેટ ઝડપી. તેમાંથી ત્રણ વિકેટ અંતિમ ઓવરમાં મળી હતી. સ્પિનર અકિલા ધનંજયે 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શહજાદ અને અંસાનુલ્લાહે 12 ઓવરમાં 57 રન જોડીને અફઘાન ટીમને સારૂ શરૂઆત અપાવી હતી. 


લેગ સ્પિનગર ધનંજયે શહજાદને એલબી આઉટ કરીને આ ભાગીદારીનો તોડી હતી. ત્યારબાદ ઇંસાનુલ્લાહ અને શાહ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ ઇંસાનુલ્લાહને પણ ધનંજયે એલબી આઉટ કર્યો હતો. 


બાંગ્લાદેશ વિરુદ્ધ બહાર રહેલા અકિલાએ શાનદાર બોલિંગ કરી હતી. કેપ્ટન અશગર અફઘાન પણ શેહાન જયસૂર્યાની બોલિંગમાં આઉટ થયો હતો જેનાથી ટીમનો સ્કોર 3 વિકેટે 110 રન થઈ ગયો હતો. શાહ અને શાહિદીએ ચોથી વિકેટ માટે 80 રન જોડ્યા હતા. 


પરેરાએ શાહિદીના રૂપમાં પ્રથમ વિકેટ લીધી જ્યારે નબી (15)ને મલિંગાએ આઉટ કર્યો હતો. લંકાએ અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને વાપસી કરી હતી.