નવી દિલ્હીઃ મંગળવારે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના મેદાન પર એશિયા કપમાં જ્યારે બંન્ને કેપ્ટન મેદાન પર આવી રહ્યાં હતા તો તમામ દર્શકો ચોંકી ગયા. અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર અફગાનની સાથે જે વ્યક્તિ ટોસ માટે આવી રહ્યો હતો તે રોહિત શર્મા ન હતો. જી, હા કેમેરાનું ફોકસ થયું તો સામે મહેન્દ્ર સિંહ ધોની હતો. શું ધોની આ મેચમાં આગેવાની કરશે. જી આશરે બે વર્ષ બાદ મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. યોગ્ય હિસાબ કરીએ તો 696 દિવસ બાદ ધોની ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીએ છેલ્લીવાર 29 ઓક્ટોબર 2016ના રોજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. આ મેચમાં ભારતને 190 રને જીત મળી હતી. કેપ્ટન તરીકે ધોનીનો આ 200મો એકદિવસીય મેચ છે. આ મુકામ હાસિલ કરનારો તે વિશ્વનો 3જો કેપ્ટન છે. એકદિવસીય ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે 230 મેચમાં સુકાન સંભાળ્યું જેમાં 165 મેચ ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગનો નંબર આવે છે, જેમણે 218 મેચમાં આગેવાની કરી અને કીવી ટીમ તેમાંથી 98 મેચ જીતી હતી. 


ધોનીના 199 મેચમાંથી 110માં ભારત જીત્યું જ્યારે 74માં હારનો સામનો કરવો પડ્યો હતો. તો ચાર મેચ ટાઈ રહી અને 11નું કોઈ પરિણામ ન આવ્યું. ધોનીની જીતની ટકાવારી 59.57 છે, જે કોઈપણ ભારતીય કેપ્ટન કરતા સારી છે. 



એશિયા કપ 2018ના સુપર 4ના આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે આ મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવતા પાંચ ફેરફાર કર્યા છે. ટીમમાંથી રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, બુમરાહ અને ચહલને આરામ આપવામાં આવ્યો છે. તો રાહુલ, દીપક ચહર, મનીષ પાંડે, ખલીલ અહમદ અને સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલા જ ફાઇનલમાં પહોંચી ગઈ છે.