કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન દિનેશ ચાંડિમાલ ઈજાને કારણે એશિયા કપની ટીમમાંથી નામ પરત લીધું તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, 28 વર્ષીય ચંડિમાલ અંગુલી ડોમેસ્ટિક શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો તેને સ્વસ્થ થવામાં હજુ સમય લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડે કહ્યું કે, સંયુક્ત અરબ અમીરાતમાં શનિવારથી શરૂ થઈ રહેલી છ દેશોના એશિયા કપ ટૂર્નામેન્ટમાં ચંડિમાલના સ્થાને ડિકવેલાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમની જાહેરાત થઈ હતી ત્યારે છ મેચના પ્રતિબંધ બાદ ચંડિમાલની ટીમમાં વાપસી થઈ હતી. 



મલિંગાની વાપસીની ચર્ચા
આ પહેલા જ્યારે શ્રીલંકાની ટીમ જાહેર થઈ હતી ત્યારે સૌથી વધુ ચર્ચા તે વાતની થઈ કે એક વર્ષ બાદ ફાસ્ટ બોલર મલિંગાની ટીમમાં વાપસી થઈ છે. તેને એશિયા કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 35 વર્ષીય મલિંગાએ પોતાની અંતિમ વનડે મેચ સપ્ટેમ્બર 2017માં ભારત વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે ઈજાને કારણે ટીમમાંથી બહાર હતો. 


શ્રીલંકન ટીમઃ એન્જેલો મેથ્યૂસ (કેપ્ટન), કુશલ પરેરા, કુશલ મેન્ડિસ, ઉપુલ થરંગા, ધનુષ્કા ગુણાથિલકા, થિસારા પરેરા, દાસુન શનાકા, ધનંજય ડિ સિલ્વા, અકિલા ધનંજય, દિલરૂવાન પરેરા, અમિલા અપોંસો, કાસુન રજીતા, સુરંગા લકમલ, દુષ્માન્થા ચમીરા અને લસિથ મલિંગા.


ભારતે 2016માં યજમાન બાંગ્લાદેશને હરાવીને ગત એશિયા કપ (ટી-20) જીત્યો હતો. ભારતે અત્યાર સુધી સૌથી વધુ 6 વખત એશિયા કપની ટ્રોફી જીતી છે. 


1984થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં પાંચ વાર શ્રીલંકા ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાનને બે વાર સફળતા મળી છે.