PAK vs AFG: રોમાંચક મેચમાં હાર્યું અફઘાનિસ્તાન, પાક ફાઇનલમાં, ભારત બહાર
PAK vs AFG: એશિયા કપ-2022માં ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાના દરવાજા બંધ થઈ ગયા છે. પાકિસ્તાને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 1 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે હવે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ રમાશે તે નક્કી થઈ ગયું છે.
શારજાહઃ અંતિમ ક્ષણ સુધી રોમાંચક બનેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટે પરાજય આપી એશિયા કપ-2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાનની જીત સાથે ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી અને તેની એક વિકેટ હાથમાં હતી. ત્યારે નસીમ શાહે ફારૂકીના બે બોલમાં સિક્સ ફટકારી પાકિસ્તાનને દિલધડક જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 129 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19.2 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
બાબર આઝમ પ્રથમ બોલ પર આઉટ
પાકિસ્તાન માટે એશિયા કપમાં સૌથી ચિંતાજનક વાત બાબર આઝમનું ફોર્મ છે. બાબર સતત ચોથી મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. આજે બાબર શૂન્ય રન પર LBW આઉટ થયો હતો. તો ફખર ઝમાન પણ માત્ર 5 રન બનાવી રનઆઉટ થયો હતો. પાકિસ્તાને પાવરપ્લેમાં બે વિકેટે માત્ર 35 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. મોહમ્મદ રિઝવાન 26 બોલમાં 20 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. પાકિસ્તાને 45 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાબર આઝમે આજે શાદાબ ખાનને બેટિંગમાં પ્રમોટ કરી ચોથા ક્રમે મોકલ્યો હતો. શાદાબ અને ઇફ્તિખારે ચોથી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. ઇફ્તિખાર 33 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો.
શાદાબ ખાન 26 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 36 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. મોહમ્મદ નવાઝ 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો. ખુશદિલ 3 બોલનો સામનો કરી માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. હારિસ રઉફને શૂન્ય રને ફરીદ અહમદે બોલ્ડ કર્યો હતો. નસીમ શાહે 4 બોલમાં બે છગ્ગા ફટકારી પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો.
સારી શરૂઆત બાદ અફઘાનિસ્તાનનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનને ગુરબાઝ અને હઝરતુલ્લાહ ઝઝઈએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ આક્રમક બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. ગુરબાઝ 11 બોલમાં 2 છગ્ગા સાથે 17 રન બનાવી હારિસ રઉફનો શિકાર બન્યો હતો. ઝઝઈ 17 બોલમાં 21 રન બનાવી હસનૈનની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાન ટીમે પાવરપ્લેમાં 2 વિકેટે 48 રન બનાવ્યા હતા.
મીડલ ઓર્ડરના બેટર ફેલ
અફઘાનિસ્તાનને 78 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. કરિમ જનત 15 રન બનાવી નવાઝની ઓવરમાં કેચઆઉટ થયો હતો. નજીબુલ્લાહ ઝાદરાન 10 રન બનાવી આઉટ થયો હતો. તેને શદાબ ખાને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પોતાની 100મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલ કેપ્ટન મોહમ્મદ નબી ગોલ્ડન ડક બન્યો હતો. નબીને નસીમ શાહે બોલ્ડ કર્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન ઈબ્રાહિમ ઝાદરાને બનાવ્યા હતા. ઇબ્રાહિમ 37 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 35 રન બનાવી આઉટ થયો હતો. અઝમતુલ્લાહ 10 અને રાશિદ ખાન 18 રન બનાવી અણનમ રહ્યાં હતા. પાકિસ્તાન તરફથી રઉફે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નસીમ શાહ, હસનૈન, નવાઝ અને શાદાબને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube