પાકિસ્તાનને ધૂળ ચટાડવા પ્લેઈંગ-11માં મોટો ફેરફાર કરશે રોહિત, આ 2 ખેલાડીઓની થઈ શકે એન્ટ્રી
IND Vs PAK Asia Cup 2023: એશિયા કપ 2023માં એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાન આમને સામને હશે. બંને દેશો વચ્ચે આ મહામુકાબલો 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આ મેચમાં બાબર આઝમના ખભે પાકિસ્તાની ટીમની બાગડોર હશે જ્યારે રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
એશિયા કપ 2023માં એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાન આમને સામને હશે. બંને દેશો વચ્ચે આ મહામુકાબલો 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આ મેચમાં બાબર આઝમના ખભે પાકિસ્તાની ટીમની બાગડોર હશે જ્યારે રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ પહેલા ગ્રુપ મેચમાં પણ બંને પાડોશી દેશો ટકરાયા હતા જો કે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી.
આ મહામુકાબલા પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રતી બુમરાહ સ્ક્વોડ સાથે જોડાઈ ગયો છે. બુમરાહ કૌટુંબિક કારણસર નેપાળ સામેની મેચમાં રમી શક્યો નહતો. બુમરાહની ગેરહાજરીમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નેપાળ વિરુદ્ધ પ્લેઈંગ 11માં જગ્યા મળી હતી. શમીએ નેપાળ વિરુદ્ધ મેચમાં 7 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે જસપ્રતી બુમરાહ પાછો આવી જતા હવે શમીની પ્લેઈંગ 11માંથી છૂટ્ટી થઈ શકે છે.
બીજી બાજુ વિકેટકિપર બેટર કે એલ રાહુલ ઈન્જરીમાંથી બહાર આવ્યો છે અને ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. રાહુલે 8 સપ્ટેમ્બરના રોજ વિકેટકિપિંગનો પણ ખુબ અભ્યાસ કર્યો હતો. હવે સૌથી મોટો સવાલ એ છે કે કે એલ રાહુલ જો પ્લેઈંગ 11માં ભાગ લે તો કયા ખેલાડીને પ્લેઈંગ 11માંથી ડ્રોપ કરવામાં આવે. કારણ કે ઈશાન કિશને પાકિસ્તાન વિરુદ્ધ ગત મેચમાં શાનદાર ફોર્મ બતાવીને પ્લેઈંગ 11માં પોતાની જગ્યા લગભગ પાકી કરી છે.
આવામાં ચોથા નંબરે બેટિંગ કરવા આવતા શ્રેયસ ઐય્યર પર લટકતી તલવાર જોવા મળી રહી છે. શ્રેયસે પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ મેચમાં ખાસ પ્રદર્શન કર્યું નથી. આમ છતાં ટીમ મેનેજમેન્ટ આ બેટરને એક વધુ તક આપી શકે છે. શ્રેયસ ઐય્યર રમે તો એ સ્થિતિમાં રાહુલે બહાર બેસવું પડી શકે.
એશિયા કપની ગ્રુપ મેચોમાં શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ 11માં જગ્યા મળી હતી કારણ કે તે બેટિંગમાં પણ પરફોર્મ કરી શકે છે. જો કે વનડે ક્રિકેટમાં શાર્દુલનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું નથી. આવામાં એ વાતની શક્યતા છે કે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં શાર્દુલની જગ્યાએ ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વધુ એક સ્પીનર સામેલ કરવામાં આવી શકે છે. એટલે કે મેચ માટે બુમરાહ અને સિરાજ જ ફ્રન્ટલાઈન પેસર રહી શકે છે અને હાર્દિક પંડ્યા ત્રીજા સીમરની ભૂમિકા ભજવશે. જ્યારે કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી શકે છે.
પાકિસ્તાન વિરુદ્ધ સંભવિત પ્લેઈિંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
મેચમાં રિઝર્વ ડે
અત્રે જણાવવાનું કે ACC એ આ મહામુકાબલા માટ રિઝર્વ ડેની પણ જાહેરાત કરી છે. જો 10 સપ્ટેમ્બરે મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ 11 સપ્ટેમ્બરે ફરી શરૂ થઈ શકે છે. ટુર્નામેન્ટમાં અન્ય મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી. સુપર ફોર સ્ટેજની તમામ મેચોનું આયોજન કોલંબોમાં થવાનું છે અને આ શહેરમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી છે.