કોલંબોઃ એશિયા કપ-2023ના સુપર-4ના બીજા મુકાબલામાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ભારતીય ટીમ 49.1 ઓવરમાં માત્ર 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો સારી શરૂઆત બાદ ધબડકો થયો હતો. ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા. આ સિવાય અન્ય બેટર મોટો સ્કોર કરી શક્યા નહીં. શ્રીલંકા માટે તમામ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી. યુવા સ્પિનર દિનુથ વેલાલાગેને પાંચ અને અસલંકાને ચાર સફળતા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપનરોએ અપાવી સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં બંનેએ ધમાકેદાર બેટિંગ કરતા 65 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ આઉટ થતા આ ભાગીદારી તૂટી હતી. 


શ્રીલંકન યુવા સ્પિનરનો કમાલ
ઓપનરોની સારી શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો. શ્રીલંકાના 20 વર્ષીય યુવા સ્પિનર વેલાલાગેએ ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વેલાલાગેએ પહેલા ગિલ (19) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી (3) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અડધી સદી ફટકારી વેલાલાગેનો શિકાર બન્યો હતો. 


ભારતે 91 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેએલ રાહુલ (39) અને ઈશાન કિશન (33) વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી થઈ હતી. રાહુલને વેલાલાગાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈશાન કિશન અસલંકાની ઓવરમાં કેચઆઉટ થયો હતો. દુનિથ વેલાલાગેએ હાર્દિક પંડ્યાને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ યુવા સ્પિનરે 10 ઓવરમાં 40 રન આપી પાંચ સફળતા મેળવી હતી. 


રવીન્દ્ર જાડેજા પણ માત્ર 4 રન બનાવી અસલંકાનો શિકાર બન્યો હતો. બુમરાહ અને કુલદીપને અસલંકાએ સતત બોલમાં આઉટ કરી પેવેલિયન મોકલી આપ્યા હતા. અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી તમામ 10 વિકેટ સ્પિનરોએ ઝડપી હતી. દિનુથ વેલાલાગાએ 5, અસલંકાએ ચાર અને તીક્ષ્ણાને એક સફળતા મળી હતી.