`યોર્કર મેન` મલિંગાની શ્રીલંકન ટીમમાં વાપસી, એશિયા કપમાં રમશે
એશિયા કપ વનડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. ટૂર્નામેન્ટની મેચ દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ઉદ્ઘાટન મુકાબલામાં શ્રીલંકાનો સામનો બાંગ્લાદેશ સામે થશે.
કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ ટીમે એશિયા કપ ક્રિકેટ શ્રેણી માટે ફાસ્ટ બોલર લસિથ મલિંગાને 16 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે.
વારંવાર ઈજાગ્રસ્થ થનાર 35 વર્ષીય આ બોલરની લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી થઈ રહી છે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત વિરુદ્ધ પોતાની અંતિમ વનડે મેચ રમી હતી. આ મેચમાં તેણે 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
મલિંગાના નામે વનડેમાં 301 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 90 વિકેટ છે.
ટીમઃ એન્જેલો મેથ્યૂસ (કેપ્ટન), કુશલ પરેરા, કુશલ મેન્ડિસ, ઉપુલ થરંગા, દિનેશ ચંડીમાલ, ધનુષ્કા ગુણાથિલકા, થિસારા પરેરા, દાસુન શનાકા, ધનંજય ડિ સિલ્વા, અકિલા ધનંજય, દિલરૂવાન પરેરા, અમિલા અપોંસો, કાસુન રજીતા, સુરંગા લકમલ, દુષ્માન્થા ચમીરા અને લસિથ મલિંગા.
ભારતે 2016માં યજમાન બાંગ્લાદેશને હરાવીને ગત એશિયા કપ (ટી-20) જીત્યો હતો. ભારતે અત્યાર સુધી સૌથી વધુ 6 વખત એશિયા કપની ટ્રોફી જીતી છે.
1984થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં પાંચ વાર શ્રીલંકા ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાનને બે વાર સફળતા મળી છે.