મસ્કતઃ ભારતીય હોકી ટીમે પુરુષોની એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં જ ભારતે ઓમાનને 11-0ના મોટા અંતરથી હરાવ્યું છે. આ મેચમાં ભારતે ઓમાનને પ્રભાવી થવાની તક આપી ન હતી. જોકે, પ્રથમ ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને પહેલો ગોલ કરવામાં 17 મિનિટનો સમય લાગ્યો હતો. પ્રથમ હાફ સુધી ભારતીય ટીમ 4-0થી આગળ હતી. બીજા હાફમાં ભારતે વધુ આક્રમક રમત દેકાઢતાં રમત પુરી થતાં સુધીમાં 11 ગોલ ઠોકી દીધા હતા. જેમાં દિલપ્રીત સિંહની હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. 


ભારત તરફથી લલિત ઉપાધ્યાયે બીજા ક્વાર્ટરમાં 17મી મિનિટમાં ભારતનો પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ હરમનપ્રીતે 22મી, નિલકાંતે 23મી અને 29મી મિનિટમાં ગોલ ફટકારીને પ્રથમ હાફમાં ભારતને 4-0ની લીડ અપાવી હતી. દિલપ્રીતે 41, 51 અને 57મી મિનિટમાં ગોલ કરીને હેટ્રીક ફટકારી હતી. 


ભારતીય ટીમનું રેન્કિંગ 5 છે 
ભારતીય ટીમ અત્યારે વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે છે અને આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે ગયા વખતે કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને 2016માં આ ટ્રોફી જીતી હતી. એશિયન ગેમ્સમાં ભલે ટીમ ઈન્ડિયા પોતાનું ટાઈટલ બચાવી શક્યું ન હોય, પરંતુ એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં તે હારવા માગતી નથી. 


સ્પર્ધામાં ભારતી ટીમને મલેશિયા, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા જાપાન, દ.કોરિયા અને પાકિસ્તાન તરફથી પડકાર મળશે. ભારત 20 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે, 21 ઓક્ટોબરે જાપાન સાથે, 23 ઓક્ટોબરે મલેશિયા સાથે અને 24 ઓક્ટોબરે દક્ષિણ કોરિયા સામે રમવાનું છે. ભારતીય ટીમને એશિયન ગેમ્સની સેમિફાઈનલમાં મલેશિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાની ખામીઓ પર કામ કરીને તેને દૂર કરી છે.