શિયાન (ચીન): ભારતીય કુસ્તીબાજોએ એશિયન ચેમ્પિયનશિપના બીજા દિવસે  બુધવારે અહીં પુરૂષ ફ્રીસ્ટાઇલમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલથી પાંચ મેડલ જીત્યા પરંતુ ટીમના ખાતામાં કોઈ ગોલ્ડ મેડલ આવ્યો નથી. બુધવારે પડકાર રજૂ કરનાર ભારતના પાંચ કુસ્તીબાજોએ મેડલ જીત્યાં પરંતુ કોઈ ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. અમિત ધનખડ અને વિક્કીએ ક્રમશઃ 74 કિલો અને 92 કિલો વર્ગના ફાઇનલમાં હારની સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો જ્યારે રાહુલ અવારે (61 કિલો), દીપક પૂનિયા (86 કિલો) અને સુમિત (125 કિલો)એ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલની સાથે ભારત બુધવારે સ્પર્ધામાં અત્યાર સુધી એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલની સાથે કુલ આઠ મેડલ જીતી ચુક્યું છે. બજરંગ પૂનિયા (65 કિલો)એ મંગળવારે ગોલ્ડ જ્યારે પ્રવીણ રાણા (79 કિલો) અને સત્યવ્રત કાદિયાન (97 કિલો)એ ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ચેમ્પિયનશિપ 2013ના ગોલ્ડ મેડલ વિજેતા અમિતે પુરૂષ 74 કિલો ફ્રીસ્ટાઇલના ફાઇનલમાં કઝાખસ્તાનના ડેનિયાર કેસાનોવા વિરુદ્ધ 0-5થી પરાજય બાદ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. 


હરિયાણાના 28 વર્ષના અમિતે ક્વોલિફિકેશનમાં ઈરાનના મોહમ્મદ અસગર નોખોદિલારિકી વિરુદ્ધ 2-1થી જીત સાથે શરૂઆત કરી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે વધુ મહેનત ન કરવી પડી જ્યારે તેનો વિરોધી જાપાનનો યુહી ફુજિયાની ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો. સેમીફાઇનલમાં અમિતે કિર્ગિસ્તાનના ઇલગિજ ઝઆકિપબેકોવને 5-0થી પરાજય આપ્યો હતો. 


વિક્લીને ક્વાર્ટર ફાઇનલમાં વોલઓવર મળ્યું કારણ કે પાકિસ્તાનનો તેનો હરીફ મોહમ્મદ ઇનામ મુકાબલા માટે ન પહોંચ્યો. સેમીફાઇનલમાં તેણે નજીકના મુકાબલામાં ચીનની શિયાઓ સુનને 3-2થી હરાવ્યો હતો. ફાઇનલમાં વિક્કીનો ઈરાનના અલીરેજા મોહમ્મદ કરીમીમાચિયાની વિરુદ્ધ 0-11થી પરાજય થયો હતો.