જકાર્તા: ભારતીય મહિલા કબડ્ડી ટીમે આજે જાકાર્તામાં 18માં એશિયાઈ ખેલોમાં પોતાના અભિયાનની શરૂઆત જીતથી કરી. ભારતીય ટીમે ગ્રુપ એમાં રમાયેલી મેચમાં જાપાનને 43-12થી કચડી નાખ્યું. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે 2010 થી ભાગ લેવાનું શરૂ કર્યું અને પ્રવેશતાની સાથે જ સુવર્ણ પદક પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 2014માં રમાયેલા એશિયન્સ ગેમ્સમાં ઈરાનને માત આપીને ભારતીય ટીમે ફરીથી સુવર્ણ પદક જીત્યો હતો. આવામાં ભારતીય મહિલા ટીમ તરફથી હેટ્રિક લાગવાની આશા સેવાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબડ્ડી એક એવી રમત છે જેમાં ભારતનો શરૂઆતથી દબદબો રહ્યો છે. આ ખેલમાં ભારતનો સુવર્ણ પાક્કો જ છે. અને ભારતે કબડ્ડીની શરૂઆત જીત સાથે કરી નાખી છે. ભારત તરફથી કેપ્ટન પાયલ ચૌધરી, લેફ્ટ ડિફેન્ડર સાક્ષી કુમારી, રણદીપ અને રિતુએ જોરદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમની અનુભવી ડિફેન્ડર સાક્ષીકુમારીએ શરૂઆતથી જ જાપાનને દબાણમાં રાખ્યું. જેનું પરિણામ એ આવ્યું કે ખેલ દરમિયાન જાપાન એવી કોઈ સ્થિતિમાં જોવા ન મળ્યું કે તે ખેલમાં વાપસી કરી શકે. ભારતે પહેલા હાફમાં 19-8થી પોતાના પક્ષમાં રમત કરી. ત્યારબાદ બીજા હાફમાં ભારતે જાપાનને દબાણમાં રાખ્યું. બીજા હાફમાં ભારતે 24 અંક મેળવ્યાં જ્યારે જાપાનની ટીમ ફક્ત 4 અંક મેળવી શકી. આ રીતે પહેલી મેચ ભારતે 43-12ના મોટા અંતરથી જીતી લીધી. હવે ભારતીય કબડ્ડીની ટીમ બીજી મેચ 20 ઓગસ્ટના રોજ થાઈલેન્ડ સામે રમશે. 


જાપાન વિરુદ્ધ ભારતીય ખેલાડીઓ શરૂઆતથી જ હાવી જોવા મળ્યા હતાં. ટુર્નામેન્ટના પહેલા દિવસે જ ભારતીય ટીમે શાનદાર રીતે જીત મેળવી. ભારતીય મહિલા ટીમની નજર આ ટુર્નામેન્ટમાં ત્રીજીવાર સુવર્ણ પદક મેળવવાની હેટ્રિક પર છે. જાપાનની ટીમ ભારત સામે જરાય પડકાર ફેંકી શકી નહીં. 


36 ખેલોમાં ભાગ લઈ રહ્યું છે ભારત
આ વર્ષ એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજિત કરાયેલા રાષ્ટ્રમંડલ ખેલોમાં ભારતીય ખેલાડીઓએ ખુબ સારી સફળતા મેળવી હતી. અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ મેળવી હતી. દેશને આશા છે કે ચાર વર્ષમાં એકવાર થનારા આ એશિયન ગેમ્સમાં પણ ભારતના 572 ખેલાડીઓ તે સફળતાને દોહરાવશે. ભારતે 36 રમતોમાં ભાગ લીધો છે.