Asian Games 2018, Day-5 : 15 વર્ષના શૂટર શાર્દુલે સિલ્વર મેડલ જીત્યો, સાઇના પ્રી ક્વાર્ટરમાં
નવી દિલ્હી. 18મી એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતે સારા મેડલ જીત્યા હતા. તેમાં પણ વુશુમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વુશુ ટીમને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. ગુરૂવારે પણ ભારતે શૂટિંગમાં સિલ્વર મેડલથી શરૂઆત કરી હતી. ભારતનો 15 વર્ષનો શાર્દુલ વિહાન એક પોઈન્ટથી ગોલ્ડ ચુકી ગયો હતો.
શાર્દુલ વિહાને 18મી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પુરુષોની ડબલ ટ્રેપ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તેણે 73 પોઈન્ટ બનાવ્યા હતા. દક્ષિણ કોરિયાના શિન હ્યુન ગોએ 74ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો. આમ, શાર્દુલ માત્ર 1 પોઈન્ટને લીધે ગોલ્ડ મેડલ ચુકી ગયો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
એક પક્ષીય મુકાબલામાં સાઈનાનો વિજય, સિંધુને કરવી પડી મેહનત
બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પી.વી. સિંધુ મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટરમાં પહોંચી ગઈ છે. કોમનવેલ્થ ચેમ્પિયન સાઈનાએ ઈરાનની સુરૈયાને માત્ર 26 મિનિટમાં 21-7, 21-9થી હરાવી હતી. હવે તેનો સામનો ઈન્ડોનેશિયાની ફિત્રિયાની અને શ્રીલંકાનીટી પ્રમોદિકા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. અન્ય મેચમાં પી.વી. સિંધુને પ્રથમ રાઉન્ડમાં ઘણી મહેનત કરવી પડી. તેણે 58 મિનિટમાં વિયેટનામની વૂ થી. ત્રાંગને 21-10, 12-21, 23-21થી હરાવી. હવે તેની ટક્કર ઈન્ડોનેશિયાની કી. ગ્રેગોરિયા સાથે થશે.
શૂટિંગઃ ડબલ ટ્રેપમાં શ્રેયસી છઠ્ઠા અને વર્ષા સાતમા નંબરે રહી
શૂટર શ્રેયસી સિંહ અને વર્ષા વર્માન મહિલાઓની ડબલ ટ્રેપ ઈવેન્ટમાં મેડલ ચૂકી ગઈ. કોમનવેલ્થ ગેમ્સની મેડલિસ્ટ શ્રેયસીએ ફાઈનલમાં 121 પોઈન્ટ બનાવ્યા અને છઠ્ઠા ક્રમે રહી. વર્ષા 120 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી.
સ્વિમિંગઃ 50 મીટર બટરફ્લાય સ્પર્ધાની ફાઈનલમાં વીરધવલ
ભારતીય સ્વિમર વિરધવલ ખડેએ પુરુષોની 50 મીટર બટરફ્લાય ઈવિન્ટમાં ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. વીરધવલે હીટ-2માં 24.09 સેકન્ડના સમય સાથે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના કારણે તેને ફાઈનલમાં પ્રવેશ મળી ગયો હતો.
રોઈંગઃ કનોએ મહિલા સિંગલ્સની ફાઈનલમાં ચામ્પા
ભારતની ચામ્પા મોર્યાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પાંચમા દિવસે રોઈંગમાં કેનોએ મહિલા સિંગલ્સ સ્કલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ચામ્પાએ સેમિફાઈનલમાં 176.14 પોઈન્ટ મેળવીને ક્વોલિફાય કર્યું હતું. આ ઈવેન્ટની અંતિમ યાદીમાં ભારતીય એથલીટ ચામ્પાને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ અગાઉ હીટમાં ચામ્પાએ રન-1માં 171.22 પોઈન્ટ બનાવ્યા હતા. રન-2માં તેણે 171.22 પોઈન્ટ બનાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.
સ્વિમિંગઃ 200 મીટર બેકસ્ટ્રોકની ફાઈનલમાં નટરાજ
ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજે પાંચમા દિવસે પુરુષોની 200મીટર બેકસ્ટ્રોક સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. નટરાજે યાદીમાં 7મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હીટ-1માં નટરાજે 2 મિનિટ અને 02.97 સેકન્ડનો સમય લઈને ત્રીજું સ્થાન મેળવવા સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.