Asian Games 2018: મહિલા સ્ક્વોશ ટીમ ફાઇનલમાં હારી, સિલ્વરથી કરવો પડ્યો સંતોષ
જોશના ચિનપ્પાએ 8 વખતની વિશ્વ ચેમ્પિયન નિકોલ ડેવિડને હરાવી હતી. જેનાથી ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે ગત વિજેતા મલેશિયાને 2-0થી હરાવીને સતત બીજીવાર એશિયન ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જકાર્તાઃ ભારતીય મહિલા સ્ક્વોશ ટીમને 18મી એશિયન ગેમ્સના 14માં દિવસે ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. હોંગકોંગે શનિવારે રમાયેલી ફાઇનલમાં ભારતને 2-0થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં હોંગકોંગની વિંગ અયૂ, હો ચાન, જી હો અને કા લીની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોશના ચિનપ્પા, દીપિકા પલ્લિકલ, સુનૈના કુરૂવિલ્લા અને તન્વી ખન્નાની ટીમને હોંગકોંગે ફાઇનલમાં સતત બે મેચમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે સેમીફાઇનલમાં મલેશિયાને 2-1થી પરાજય આપ્યો હતો.
મહત્વનું છે કે જોશના ચિનપ્પાએ 8 વખતની વિશ્વ ચેમ્પિયન નિકોલ ડેવિડને હરાવી હતી, જેનાથી ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે ગત ચેમ્પિયન મલેશિયાને 2-0થી હરાવીને સતત બીજીવાર એશિયન ગેમ્સના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વિશ્વની 16માં નંબરની ખેલાડી ચિનપ્પાને હોંગકોંગ વિરુદ્ધ અંતિમ પૂલ મેચમાં એની યૂએ હરાવી હતી. ભારત 1-2થી હારીને હોંગકોંગ બાદ બીજા નંબર પર રહ્યું અને તેને મલેશિયાના રૂપમાં કઠિન પડકાર મળ્યો હતો.
આ સાથે ભારતના ખાતામાં કુલ 68 મેડલ થઈ ગયા છે, જે કોઈપણ એશિયાડમાં ભારતના સર્વાધિક મેડલની સંખ્યા છે. આ પહેલા ભારતે 2010ની ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સમાં 65 મેડલ જીત્યા હતા.
18મી એશિયન ગેમ્સમાં અત્યાસ સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 68 પર પહોંચી ગઈ છે. જેમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલની સાથે ભારત મેડલ ટેલીમાં 8માં સ્થાન પર છે.