એશિયન ગેમ્સઃ ભારતીય મહિલા હોકી ટીમે કઝાકિસ્તાનને 21-0થી હરાવ્યું
એક દિવસ પહેલા જ ભારતીય પુરૂષ ટીમે પ્રથમ મેચમાં યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી પરાજય આપીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો.
જકાર્તાઃ ભારતીય મહિલા હોકી ટીમે ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં કમાલનું પ્રદર્શન કરતા મંગળવારે રમાયેલી મેચમાં કઝાકિસ્તાનને 21-0થી પરાજય આપ્યો હતો. ગ્રુપ-બીના આ મેચમાં કઝાકિસ્તાનની ટીમ વામણી પૂરવાર થઈ અને ભારતીય ટીમ ગોલ ફટકારતી રહી હતી. ભારતીય મહિલા ટીમે ત્રણ ક્વાર્ટર બાદ 16-0ની લીડ મેળવી લીધી અને અને અંતિમ ક્વાર્ટરમાં 5 ગોલ કરીને 21-0થી મેચ જીતી લીધી હતી.
એક દિવસ પહેલા જ ભારતીય પુરૂષ ટીમે પ્રથમ મેચમાં યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી પરાજય આપીને પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો. આ લયને મહિલા ટીમે પણ બરકરાર રાખી અને કમાલનું પ્રદર્શન કરતા એક બાદ એક ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમ 22-0ના એશિયન ગેમ્સના રેકોર્ડથી એક ગોલ દૂર રહી ગઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમે 1982 એશિયન ગેમ્સમાં હોંગકોંગને 22-0થી પરાજય આપ્યો હતો.
નવનીત કૌરે સૌથી વધુ 5 ગોલ કર્યા હતા. તેણે 11મી, 12મી અને 48 મિનિટ (બે ગોલ) ગોલ કર્યા હતા. જ્યારે ગુરજીત કૌરે 4 ગોલ કર્યા હતા. ગુરજીતે 8મી, 36મી, 44મી અને 51મી મિનિટે ગોલ કર્યો હતો. તે સિવાય લાલરેમસિયામી અને વંદનાએ 3-3 ગોલ તથા લિલિમાએ 2 ગોલ કર્યા હતા. તો નેહા, ઉદિતા, દીપ ગ્રેસ, નવજોત અને મોનિકાએ 1-1 ગોલ કર્યો હતો.
વિજયી પ્રારંભ
આ પહેલા મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં વિજયી પ્રારંભ કર્યો અને ગ્રુપ-બીના પોતાના પ્રથમ મેચમાં યજમાન ઈન્ડોનેશિયાને 8-0થી પરાજય આપ્યો હતો. મહિલા હોકી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ટીમે 2 મેચમાં એકપણ ગોલ ખાધો નથી.