જકાર્તા: ઈરાને કબડ્ડીમાં ભારતની બાદશાહત ખતમ કરી છે. તેણે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે આજે મહિલા વર્ગની ફાઈનલમાં ભારતને 27-23થી હરાવ્યું. આ સાથે જ ભારતની ગોલ્ડ મેડલ જીતવાની આશા વિખરાઈ ગઈ. ભારતની પુરુષ ટીમ એક દિવસ પહેલા જ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. પુરુષ ટીમને પણ ઈરાને જ હરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પહેલા રાઉન્ડમાં લીડ મેળવી
ભારતીય ખેલાડીઓએ પહેલા રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું. પહેલો રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધી ભારતીય ટીમ 13-11થી આગળ હતી. એવું લાગતું હતું કે મહિલા ટીમ એક દિવસ પહેલા ઈરાને પુરુષ ટીમને હરાવી તેનો બદલો લેશે. પરંતુ બીજા રાઉન્ડમાં ખેલ બદલાઈ ગયો. 


ઈરાને ભારતને ઓલઆઉટ કરીને બોનસ લીધુ
મેચનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે ઈરાને ભારતને ઓલઆઉટ કરી નાખ્યું. ઓલઆઉટથી પહેલા બંને ટીમો 13-13 પર હતી. ઓલઆઉટ કરતા ઈરાનને 4 અંકોનું બોનસ મળ્યું. અને તેણે 4 અંકની લીડ લઈ લીધી. ભારતની તમામ કોશિશો છતાં ઈરાનની લીડ ખતમ કરી શક્યું નહીં. 


1990માં પહેલીવાર રમાઈ હતી એશિયન ગેમ્સ ટુર્નામેન્ટમાં કબડ્ડી
એશિયન ગેમ્સમાં કબડ્ડી પહેલીવાર 1990માં રમાઈ હતી. ત્યારે ભારતે બાંગ્લાદેશને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતે 2014 સુધી સતત ગોલ્ડ જીત્યો. આ દરમિયાન ઈરાન અને પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યાં. પરંતુ કોઈ ટીમ ભારતને પડકારી શકતી નહતી. 2010માં મહિલાઓની કબડ્ડી પણ એશિયન ગેમ્સનો ભાગ બની. ભારતે આ અગાઉ બંને ગોલ્ડ જીત્યા પરંતુ 2018માં ઈરાને ભારતને જબરદસ્ત પડકાર ફેક્યો અને ગોલ્ડ પોતાના નામે કર્યો.