જકાર્તાઃ એશિયન ગેમ્સમાં 7મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે પુલ-બીમાં દક્ષિણ કોરિયાને અત્યંત રોમાંચક મેચમાં 4-1થી હરાવી દીધું હતું. આ સાથે જ ભારતીય મહિલા ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતીય મહિલા હોકી ટીમે મેચની છેલ્લી મિનિટોમાં છવાઈ જઈને દક્ષિણ કોરિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચની શરૂઆતમાં બંને ટીમ એક બીજા પર આક્રમણના મૂડમાં હતી, પરંતુ મજબુત ડિફેન્સને કારણે કોઈ ગોલ કરી શક્તું ન હતું. ભારત તરફથી 16મી મિનિટમાં નવનીતના પાસ પર લિલીમાએ પ્રથમ ગોલ ફટકારીને સ્કોર 1-0 કરી લીડ અપાવી દીધી હતી. આ કારણે દક્ષિણ કોરિયા થોડું દબાણમાં આવી ગયું હતું. જોકે, તેની ચાર મિનિટ બાદ જ 20મી મિનિટમાં દ.કોરિયાની યુરીમે પેનલ્ટી પરથી સ્ટ્રોક મારીને ગોલ ફટકારી સ્કોર 1-1 કરી નાખ્યો હતો. 



ત્યાર બાદ બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જામી હતી, પરંતુ એક પણ ટીમ ત્રીજા ક્વાર્ટર સુધી ગોલ કરી ન શક્તાં સ્કોર 1-1 જ રહ્યો હતો. મેચ પુરી થવાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે 54મી મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ મેચનો પણ પ્રથમ પેનલ્ટી કોર્નર હતો. 



ભારતની ગુરજીતે જરા પણ ભુલ ન કરતાં દ. કોરિયાની ગોલકીપરને થાપ આપીને બોલને ટોપ-રાઈટ કોર્નર પર નાખી ગોલ કર્યો હતો. આ રીતે ભારતે દ.કોરિયા પર 2-1ની લીડ મેળવી લીધી હતી. દ.કોરિયાની ટીમ ગભરાઈ ગઈ અને ભારતને બીજી જ મિનિટે બીજો પેનલ્ટી કોર્નર મળી ગયો. આ વખતે પણ ગુરજીતે પેનલ્ટી કોર્નર લઈને ડ્રેગ-ફ્લિક દ્વારા ગોલ કરીને ટીમ માટે ત્રીજો ગોલ ફટકારી દીધો હતો. 



56મી મિનિટમાં ભારતની અનુભવી ખેલાડી વંદનાએ ભારત તરફથી ચોથો ગોલ ફટકાર્યો. આમ, 54, 55 અને 56 એમ સળંગ ત્રણ મિનિટમાં ત્રણ ગોલ ફટકારીને ભારતે દ.કોરિયા પર 4-1ની લીડ મેળવી લીધી હતી. મેચ પુરી થવા સુધીમાં દ.કોરિયા એક પણ ગોલ કરી શક્યું ન હતું અને ભારતે 4-1થી મેચ જીતી લીધી હતી. 


હવે સેમિફાઈનલમાં 27 ઓગસ્ટના રોજ ભારતની ટક્કર થાઈલેન્ડ સાથે થશે.


આ અગાઉ ભારતના તેજિંદરપાલ સિંહ તૂરે એશિયન રમતોત્સવમાં પુરુષોના શોટપુટમાં રેકોર્ડ બનાવવાની સાથે જ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતનો આ 7મો ગોલ્ડ મેડલ છે. મેડલ સાથે એથલેટિક્સમાં ભારતનું ખાતું ખુલ્યું છે. 


23 વર્ષના તેજિંદરે અહીં જીબીકે મેઈન સ્ટેડિયમમાં પ્રથમ પ્રયાસમાં 19.96, બીજા પ્રયાસમાં 19.15 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, તેનો ત્રીજો પ્રયાસ ફાઉલ રહ્યો હતો. ચોથા પ્રયાસમાં તેણે 19.96 અને પછી પાંચમાં પ્રયાસમાં 20.75 મીટરનો રેકોર્ડ બનાવતો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. આ સાથે જ તેણે એશિયાડ અને નેશનલ બંને રેકોર્ડ પણ પોતાને નામે કર્યા હતા. તેજિંદરે પ્રકાશ કરહાનાના નામે નોંધાયેલો 20.69 મીટરનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 


ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયન રમતોત્સવના 7મા દિવસે ભારતને સ્કવેશમાં ત્રણ બ્રોન્ઝ મળ્યા છે. દિપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ મહિલા સિંગલ્સમાં જ્યારે સૌરભ ઘોષાલે પુરુષ સિંગલ્સમાં મેડલ જીત્યો હતો. ભારતના ત્રણેય ખેલાડીને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.