ક્વાલાલંપુરઃ સૌરવ ઘોષાલ એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. વર્લ્ડ નંબર-10 સૌરવ ઘોષાલે રવિવારે રાત્રે અહીં ચેમ્પિયનશિપનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટોપ સીડ સૌરવે 42 મિનિટ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર-4 યુ ચુન મિંગને હરાવ્યો હતો. સૌરવ સિવાય ડિફેન્ડિંગ ચેમ્પિયન જોશના ચિનપ્પાએ પણ ટાઇટલ જીતીને મહિલા સિંગલ્સમાં પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું છે. તે મલેશિયાની નિકોલ ડેવિડ બાદ આ ટાઇટલ જાળવી રાખનાર પ્રથમ ખેલાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરવ ઘોષાલે રવિવારે રમાયેલા ફાઇનલમાં લીયો યુ ચુન મિંગને 11-9, 11-2, 11-8થી પરાજય આપ્યો હતો. તેને આ મેચ જીતવામાં માત્ર 42 મિનિટનો સમય લાગ્યો હતો. રસપ્રદ વાત છે કે ભારતની જોશના ચિનપ્પાને પણ મહિલા સિંગલ્સનો ફાઇનલ જીતવામાં 42 મિનિટ લાગી હતી. ચિનપ્પાએ સતત બીજીવાર આ ટાઇટલ જીત્યું છે. 


જોશના ચિનપ્પાએ મહિલા સિંગલ્સના ફાઇનલમાં વર્લ્ડ નંબર-11 હોંગકોંગની એની એયૂને 1-5, 6-11, 11-8, 11-6થી હરાવી હતી. ચેન્નઈની જોશનાએ આ મેચ જીતવા માટે 42 મિનિટનો સમય લીધો હતો. 32 વર્ષીય જોશના નવ વખતની ચેમ્પિયન નિકોલ ડેવિડ બાદ તે ટાઇટલ જાળવી રાખનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. એશિયન સ્ક્વોશ ફેડરેશનના અધ્યક્ષ ડેવિડ મુઈએ વિજેતા ખેલાડીઓને એએફએફ ચેલેન્જ ટ્રોફી અર્પણ કરી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર