આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જોન્ટી રોડ્સ
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે જાણીતા જોન્ટી રોડ્સ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતની મુલાકાતે આવ્યા હતા.
ચેતન પટેલ/સુરતઃ સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શાનદાર ફીલ્ડર જોન્ટી રોડ્સ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ અહીં ઈમ્પોર્ટ્સન્સ ઓફ ફીલ્ડિંગ સેમિનાર અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવ્યા હતા. તેમણે અહીં વિદ્યાર્થીઓને સોશિયલ સ્પોર્ટ્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો અંગે ચર્ચા કરી હતી.
શહેરની મુલાકાતે આવેલા જોન્ટી રોડ્સે આગામી 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિશ્વ કપમાં એશિયાની ત્રણ ટીમો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સારૂ પ્રદર્શન કરશે. આ સાથે તેમણે કહ્યું કે, યજમાન ઈંગ્લેન્ડનું પલ્ડું ભારે છે.
મહત્વનું છે કે જોન્ટી રોડ્સ એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. તેમણે કહ્યું કે, મારા માતા-પિતા શિક્ષક હતા. પોતાના સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા દેવા માટે તેમણે પોતાના માતા-પિતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સની સાથે શિક્ષણનું પણ મહત્વ સમજાવ્યું હતું. રોડ્સના આ સેમિનારમાં હાજરી આપીને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત થયા હતા. હાલ સુધી ક્રિકેટમાં માત્ર બેટિંગને મહત્વ આપતા યુવા ખેલાડીઓને તેમણે ફીલ્ડિંગનું પણ મહત્વ સમજાવ્યું હતું.