એડિલેડઃ Ashes 2021: એશિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. પ્રથમ ઈનિંગમાં લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે એડિલેડ ટેસ્ટના ચોથા દિવસે 9 વિકેટ ગુમાવી 230 રન પર પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડને જીત માટે 468 રનનો ટાર્ગેટ મળ્યો, પરંતુ બીજી ઈનિંગમાં તેની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના શરૂઆતી ચાર બેટર આઉટ થઈ ગયા છે. ચોથા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી 82 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને મેચના પાંચમાં અને અંતિમ દિવસે જીત માટે 6 વિકેટની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ મેચ ડ્રો કરાવવાનો પ્રયાસ કરશે. આ મેચનો અંતિમ દિવસ નિર્ણાયક રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી ઈનિંગમાં આવું રહ્યું ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાના બેટર બીજી ઈનિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. ઈંગ્લેન્ડે પ્રથમ સત્રમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો અને 4 વિકેટ મેળવી હતી. પરંતુ ટ્રેવિસ હેડ અને લાબુશેને શાનદાર અડધી સદી ફટકારી હતી. બંને બેટરોએ 51-51 રન બનાવ્યા. કેમરૂન ગ્રીન 33 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમના મોટા ભાગના બેટર ફ્લોપ રહ્યા અને મોટો સ્કોર કરી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટે 230 રન બનાવ્યા અને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટ, ડેવિડ મલાન અને ઓલી રોબિન્સને બે-બે વિકેટ હાસિલ કરી હતી. 


આ પણ વાંચોઃ Asian Champions Trophy: ભારતનું દમદાર પ્રદર્શન, જાપાનને 6-0થી હરાવ્યું


ઈંગ્લેન્ડ પર હારનો ખતરો
468 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત ખરાબ રહી અને હમીદ શૂન્ય રને આઉટ થયો હતો. ત્યારબાદ રોરી બર્ન્સ અને ડેવિડ મલાને ઈનિંગને સંભાળી હતી. પરંતુ 20 રન બનાવી મલાન LBW આઉટ થયો હતો. ત્યારબાદ રોરી બર્ન્સ પણ 34 રન બનાવી રિચર્ડસનનો શિકાર બન્યો હતો. દિવસની અંતિમ ઓવરમાં કેપ્ટન જો રૂટ 24 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે 4 વિકેટે 82 રન બનાવ્યા છે. હજુ તેને જીત માટે 386 રનની જરૂર છે. આ લક્ષ્ય મુશ્કેલ લાગી રહ્યો છે. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટે જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube