AUS vs SA: T20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની જીત સાથે શરૂઆત, રોમાંચક મેચમાં આફ્રિકાને 5 વિકેટે હરાવ્યું
ICC T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપમાં કાંગારૂ ટીમે પોતાના અભિયાનની જીત સાથે શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાએ સુપર-12ના પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાને 5 વિકેટે પરાજય આપ્યો છે.
અબુધાબીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC t20 World cup 2021) ના સુપર-12ના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ જીત સાથે શરૂઆત કરી છે. અબુધાબીમાં રમાયેલી રોમાંચક મેચમાં કાંગારૂ ટીમે સાઉથ આફ્રિકાને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતુ ખોલાવી લીધુ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 9 વિકેટે 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કાંગારૂ ટીમે 19.4 ઓવરમાં 121 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ફેલ
સાઉથ આફ્રિકાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 20 રનના સ્કોર પર પોતાના બંને ઓપનરો ગુમાવી દીધા હતા. આરોન ફિન્ચ (0) રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. રબાડાએ ડેવિડ વોર્નર (14)ને પેવેલિયન મોકલીને આફ્રિકાને બીજી સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 2 વિકેટે 28 રન બનાવ્યા હતા.
38 રનના સ્કોર પર કાંગારૂ ટીમને મિશેલ માર્શના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. માર્શ 11 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ 34 બોલમાં 35 રન બનાવી નોર્ત્જેની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ (18)ને શમ્સીએ આઉટ કરીને આફ્રિકાને પાંચમી સફળતા અપાવી હતી. માર્કસ સ્ટોયનિસ 24 રન અને મેથ્યૂ વેડ 15 રન બનાવી અણનમ રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો
પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 13 રનના સ્કોર પર બાવૂમા (12)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગ્લેન મેક્સવેલને આ સફળતા મળી હતી. ત્યારબાજ જોશ હેઝલવુડે ડી કોક (7)ને બોલ્ડ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. વાન ડેર ડુસેન 2 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. આફ્રિકાએ પાવરપ્લેમાં 3 વિકેટે 26 રન બનાવ્યા હતા.
માર્કરમે બનાવ્યા સૌથી વધુ રન
પાવરપ્લે બાદ હેનરિક ક્લાસેનના રૂપમાં સાઉથ આફ્રિકા ટીમને પાંચમો ઝટકો લાગ્યો હતો. ક્લાસેન 13 રન બનાવી કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. ડેવિડ મિલર 16 રન બનાવી ઝમ્પાની ઓવરમાં LBW આઉટ થયો હતો. પ્રિટોરિયસ 0 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. આફ્રિકા તરફથી સૌથી વધુ રન એડન માર્કરામે બનાવ્યા હતા. તેણે 36 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 40 રન બનાવ્યા હતા.
કેશવ મહારાજ (0) રન આઉટ થયો હતો. નોર્ત્જે 2 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો હતો. રબાડાએ અણનમ 16 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 4 ઓવરમાં 1 મેડન સાથે 19 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્ટાર્ક અને ઝમ્પાને બે-બે તથા મેક્સવેલ અને કમિન્સને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube