T20: ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 19 રને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન
ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ડકવર્થ લેવિસના નિયમ પ્રમાણે ન્યૂઝીલેન્ડને 19 રને હરાવી ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું છે.
ઓકલેન્ડઃ એશ્ટન અગર (3/27)ની બોલિંગ અને આર્સી શોર્ટના 50 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ બુધવારે (21 ફેબ્રુઆરી)એ ન્યૂઝીલેન્ડને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ મેચમાં 19 રને પરાજય આપ્યો. મેચનો નિર્ણય ડકવર્થ-લેવિસના નિયમના આધારે થયો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રિકોણીય ટી20 શ્રેણીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી20 રેકિંગમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. તેની સત્તાવાર જાહેરાત ગુરૂવારે થશે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં નવ વિકેટના નુકશાન પર 150 રન બનાવ્યા હતા. વરસાદ શરૂ થયો તે સમયે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટના નુકશાને 14.4 ઓવરમાં 121 રન બનાવી લીધા હતા. વરસાદને કારણે રમત શક્ય ન થતા ડકવર્થ લેવિસના નિયમ પ્રમાણે ઓસ્ટ્રેલિયાને 19 રને વિજેતા જાહેર કર્યું હતું.
ન્યૂઝીલેન્ડ માટે રોસ ટેલરે સૌથી વધુ 43 રન બનાવ્યા. આ સિવાય માર્ટિન ગુપ્ટિલે 21 અને મુનરોએ 29 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન બે અંકમાં પણ પહોંચ્યા ન હતા. આ ઈનિંગમાં એશ્ટન અગર સિવાય, કેન રિચર્ડસન અને એન્ડ્રૂ ટાઇએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે સ્ટેનલેક અને માર્કસ સ્ટોઇનિસને એક-એક સફળતા મળી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને શોર્ટ અને કેપ્ટન વોર્નરે 72 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત કરી હતી. ટીમે 121 રન બનાવ્યા હતા ત્યારે વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. વરસાદ વધુ સમય શરૂ રહેતા અમ્પાયરોએ ઓસ્ટ્રેલિયાને ડીએલ પ્રણાલી મુજબ 19 રને વિજેતા જાહેર કર્યું હતું. ન્યૂઝીલેન્ડની આ ઈનિંગમાં ઇશ સોઢી, મિશેલ સેન્ટર અને લોકિન મુનરોએ એક-એક વિકેટ ઝડપી હતી. આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોમાં પાંચ વિજય પ્રાપ્ત કર્યા છે, ન્યૂઝીલેન્ડ માત્ર એક મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પ્લેયર ઓફ દ સીરીઝ અને ઓસ્ટ્રેલિયાના એશ્ટન અગલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.