AUS vs PAK: પર્થ, મેલબર્ન અને હવે સિડની...ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના સૂપડાં કર્યા સાફ
AUS vs PAK 3rd Test: ઓસ્ટ્રેલિયાની ટીમે સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી પછાડ્યું છે. કાંગારુ ટીમે આ સાથે જ પાકિસ્તાનને ઘર આંગણે રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં 3-0થી હરાવી દીધુ છે.
AUS vs PAK 3rd Test: ઓસ્ટ્રેલિયાની ટીમે સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી પછાડ્યું છે. કાંગારુ ટીમે આ સાથે જ પાકિસ્તાનને ઘર આંગણે રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં 3-0થી હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી પહેલી મેચમાં પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 79 રનથી જીતીને સિરીઝ પર કબજો કર્યો હતો. ટીમે હવે સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ જીત મેળવીને પાકિસ્તાનને 3-0થી સિરીઝમાં પછડાટ આપી દીધી છે.
શરમજનક હાર
ઓસ્ટ્રેલિયાને સિડની ટેસ્ટ મેચ જીતવા માટે 130 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે ટીમે ફક્ત 2 વિકેટ ગુમાવીને મેળવી લઈ સિડની ટેસ્ટ જીતી લીધી. કાંગારું ટીમે આ સાથે જ 3-0થી સિરીઝ જીતીને પાકિસ્તાનના સૂપડાં સાફ કર્યા. સિડની ટેસ્ટમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 313 રને સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 88 રન કર્યા હતા. રિઝવાન ઉપરાંત આમેર જમાલે 82 રન અને આગા સલમાને 53 રન કર્યા હતા. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મિશેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડ, નાથન લિયોન અને મિશેલ માર્શને એક એક વિકેટ મળી હતી.
પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 299 રન કર્યા. ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેને સૌથી વધુ 60 રન કર્યા. જ્યારે મિચેલ માર્શે 54 રન કર્યા. પાકિસ્તાન માટે આમેર જમાલે સૌથી વધુ 6 વિકેટ લીધી. આગા સલમાને 2 વિકેટ લીધી. શાજિદ ખાન અને મીર હમઝાએ 1-1 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 115 રન પર સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયાને જીત માટે 130 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ત્યારબાદ પેટ કમિન્સના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમે સરળતાથી લક્ષ્યાંક મેળવી લીધો અને પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરાવ્યો.
ઓસ્ટ્રેલિયામાં સતત 17 ટેસ્ટ હાર્યું પાકિસ્તાન
પાકિસ્તાનની ટીમ 1999થી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં સતત 17 ટેસ્ટ મેચ હાર્યું છે. આ એક મહેમાન ટીમનો કોઈ પણ દેશમાં સતત સૌથી વધુ ટેસ્ટ મેચ હારવાનો શરમજનક રેકોર્ડ છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને વર્ષ 1999માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ પાકિસ્તાનને ફરી ઘર આંગણે 3-0થી હરાવ્યું. વર્ષ 2009માં પણ 3-0થી હરાવ્યું અને વર્ષ 2019માં ફરીથી 2-0થી પછાડ્યું. વર્ષ 2023-24માં એકવાર ફરીથી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 3-0થી રગદોળી નાખ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube