ત્રિકોણીય ટી-20 શ્રેણીઃ ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને પાંચ વિકેટે હરાવ્યું, હવે પાક સામે ફાઇનલ
આ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ રવિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.
હરારેઃ ઓસ્ટ્રેલિયાએ ત્રિકોણીય ટી-20 શ્રેણીના છઠ્ઠા મેચમાં શુક્રવારે યજમાન ઝિમ્બાબ્વેને અંતિમ ઓવર સુધી ખેંચાયેલા મેચમાં પાંચ વિકેટથી હરાવી દીધું. હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની સામે 152 રનનો ટાર્ગેટ રાખ્યો જેને ઓસ્ટ્રેલિયાએ એક બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. હવે ઓસ્ટ્રેલિયાની ટક્કર ફાઇનલમાં 8 જુલાઈએ પાકિસ્તાન સામે થશે.
આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી અને કેપ્ટન એરોન ફિન્ચ ત્રણ રન બનાવીને 15ના કુલ સ્કોરે આઉટ થયો. એલેક્સ કારે (16)ને મુજારબાનીએ 29ના કુલ સ્કોરે આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દીધું. અહીંથી મેક્સવેલ (56) અને ટ્રેવિસ હેડ (48)એ ત્રીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને જીત માટે બનાવી રાખ્યું.
38 બોલની ઈનિંગમાં 5 સિક્સ અને એક ફોર ફટકારના મેક્સવેલ 129ના કુલ સ્કોરે 17મી ઓવરમાં આઉટ થયો. ઝિમ્બાબ્વેએ નિક મેડિસન (2) અને હેડને 139ના કુલ સ્કોર સુધી આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો કર્યો, પરંતુ માર્કસ સ્ટોઇનિસ (અણનમ 12) અને એશ્ટન અગર (અણનમ 5)એ ટીમને એક બોલ બાકી રહેતા જીત અપાવી.
આ પહેલા ઝિમ્બાબ્વેએ સોરોમોન મિરેના 52 બોલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી રમેલી 63 રનની ઈનિંગને કારણે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 151 રન બનાવ્યા હતા. મિરે સિવાય પીટર મૂરે 30 રનનું યોગદાન આપ્યું હતું.