34 વર્ષમાં પ્રથમવાર વનડે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ આઈસીસીએ જારી કરેલા વનડે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જે છેલ્લા 34 વર્ષમાં ટીમનું સૌથી નિચલુ સ્તર છે.
મેલબોર્નઃ આઈસીસીએ પોતાની હાલની રેન્કિંગ જારી કરી દીધી છે. ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ કેન્કિંગમાં પોતાના 34 વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે. સોમવારે જારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની જારી રેન્કિંગમાં પાંચ વખતની વિશ્વ વિજેતા છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયા આ સમયે ઈંગ્લેન્ડમાં પાંચ મેચની વનડે શ્રેણી રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમાં સ્થાને પરત ફરવા માટે બાકીની ત્રણમાંથી એક મેચ ફરજીયાત જીતવી પડશે.
ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ પ્રમાણે, ઓસ્ટ્રેલિયા 1984માં છઠ્ઠા સ્થાને હતું. હાલની વિશ્વ ચેમ્પિયન છેલ્લા બે વર્ષથી ઓછા સમયમાં નંબર-1થી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખરાબ સમયની શરૂઆત આફ્રિકા સામે 5-0થી થયેલા વ્હાઇટ વોશ બાદ થઈ. ત્યાંથી ઓસ્ટ્રેલિયાએ 15 વનડેમાંથી માત્ર 3 મેચ જીતી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ, ભારત અને ઈંગ્લેન્ડ સામે સતત ત્રણ દ્વિપક્ષીય શ્રેણી હારી છે. આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ બહાર થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડ, ભારત અને દક્ષિણ આફ્રિકા વનડે રેન્કિંગમાં ક્રમશઃ પ્રથમ ત્રણ સ્થાને છે. આ સમયે ઈંગ્લેન્ડના 124, ભારતના 122 અને દક્ષિણ આફ્રિકાના 113 અને ચોથા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડના 112 અંક છે. જ્યારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંન્નેના 102 અંક છે. પાંચમાં સ્થાન માટે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ સમયે ઓસ્ટ્રેલિયાનું રેન્કિંગ આનાથી નીચું જવાની સંભાવના ઓછી છે, કારણ કે સાતમાં સ્થાને બાંગ્લાદેશ છે અને તેના 93 અંક છે.
આઠમાં સ્થાને શ્રીલંકા (77) નવમાં સ્થાન પર વેસ્ટઇન્ડિઝ (69) અને દસમાં સ્થાને અફઘાનિસ્તાન (63) દૂર-દૂર સુધી ઓસ્ટ્રેલિયાને પડકાર આપવાની સ્થિતિમાં નથી.
પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સારૂ છે. આ સમયે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર છે. તેની આ મજબૂત સ્થિતિ ગત પ્રદર્શનના કારણે છે અને આ સમયે ટીમની સ્થિતિ નાજુક છે. ચોથા સ્થાને રહેલ ન્યૂઝીલેન્ડના 102 અંક છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના 106 અંક છે. પાંચમાં સ્થાન પર રહેલા ઈંગ્લેન્ડના 97 અંક છે.