U19 World Cup: પાકિસ્તાનનું સપનું તૂટ્યું, ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં, હવે ભારત સામે ટક્કર
U 19 PAK vs AUS: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં શાનદાર જીત મેળવી પાકિસ્તાનનું સપનું તોડી નાખ્યું છે. ઓસ્ટ્રેલિયા અન્ડર 19 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો સામનો ભારત સામે થશે.
બેનોનીઃ આઈસીસી અન્ડર-19 વિશ્વકપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તેનો સામનો ભારત સામે થશે. બીજી સેમીફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49..1 ઓવરમાં 9 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી.
11 ફેબ્રુઆરીએ રમાશે ફાઈનલ
સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર-19 વિશ્વકપનો ફાઈનલ મુકાબલો રવિવાર 11 ફેબ્રુઆરીએ રમાશે. જેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત આ ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્ષોને 75 બોલમાં 5 ચોગ્ગા સાથે 50 રન ફટકાર્યા હતા. આ સિવાય ઓલિવર પેકે 49 રનનું યોગદાન આપ્યું હતું. ટોમ કેમ્પબેલ 25 રન બનાવી આઉટ થયો હતો. સેમ કોન્સ્ટાસ 31 બોલમાં બે ચોગ્ગા સાથે 14 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન હ્યુજ વેઇબજેન 4 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે હરજાસ સિંહ 5 રન બનાવી આઉટ થયો હતો.
રોફ મેકમિલને 29 બોલમાં 2 ચોગ્ગા સાથે અણનમ 19 રન બનાવી ઓસ્ટ્રેલિયાને રોમાંચક જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 164 રનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન તરફથી અલી રાઝાએ 34 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્પિનર અરાફત મિન્હાસને બે વિકેટ મળી હતી.
પાકિસ્તાનની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 48.5 ઓવરમાં 179 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બે બેટરોએ અડધી સદી ફટકારી હતી. અજાન આવિસે 91 બોલમાં 3 ચોગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા. આ સિવાય અરાફત મિન્હાસે 61 બોલમાં 9 ચોગ્ગા સાથે 52 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટર મોટો સ્કોર કરી શક્યો નહીં.
પાકિસ્તાનને પ્રથમ ઝટકો 25 રનનો સ્કોર પર લાગ્યો હતો. શામ્યાલ હુસૈન 17 રન બનાવી આઉટ થયો હતો. શાહઝૈબ ખાન 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય કેપ્ટન સાદ બૈગે 3 રનનું યોહદાન આપ્યું હતું. અહમદ હુસેન 4, હારુન અર્શદ 8 રન બનાવી આઉટ થયા હતા. ઉમિદ શાહે 6, મોહમ્મદ ઝીશાને 4 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ટોમ સ્ટ્રેકરે 9.5 ઓવરમાં 1 મેડન સાથે 24 રન આપી છ વિકેટ લીધી હતી. આ સિવાય બ્રેડમેન, કેલમ વિડલર, ટોમ કેમ્પબેલ અને રોફ મેકમિલનને એક-એક વિકેટ મળી હતી.