નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ બેટ્સમેન બેથ મૂનીએ (beth mooney) ટી20 આંતરરાષ્ટ્રીયમાં (t20i) નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રવિવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 61 બોલ પર આક્રમક 113 રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે કુલ 20 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ટી20 મેચની એક ઈનિંગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરોમાં 4 વિકેટ પર 217 રન બનાવ્યા હતા. તેણે માત્ર 54 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની આ ઈનિંગમાં એકપણ છગ્ગો ફટકાર્યો નથી. જવાબમાં શ્રીલંકાની ટીમ સાત વિકેટ પર 176 રન બનાવી શકી હતી. તેની કેપ્ટન સી. અટાપટ્ટુએ 113 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનો રેકોર્ડમાં કર્યો સુધાર
મહિલા ટી20ના રેકોર્ડની વાત કરીએ તો મૂનીએ પોતાના રેકોર્ડમાં સુધાર કર્યો છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 નવેમ્બર 2017ના રમાયેલા મુકાબલામાં 19 ચોગ્ગા ફટકાર્યા હતા. મહિલા ક્રિકેટમાં બીજા સ્થાન પર પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. મેટ લેનિંગે આયર્લેન્ડ વિરુદ્ધ 18 ચોગ્ગા ફટકાર્યા હતા. 


છગ્ગો ફટકાર્યા વિના સદી
મૂનીએ એકપણ છગ્ગો ફટકાર્યા વિના પોતાની સદી પૂરી કરી હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ટેસ્ટ રમનાર દેશ (મહિલા અને પુરૂષ)માં  સિક્સ ફટકાર્યા વિના સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે. 



અહમદ શહઝાદના નામે છે પુરૂષ ટી20મા રેકોર્ડ
પુરૂષ ક્રિકેટની વાત કરીએ તો પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહઝાદ અને ઇંગ્લિશ ક્રિકેટર એડમ લિથ આ લિસ્ટમાં ટોપ પર છે. શહઝાદે 8 ડિસેમ્બર 2012ના લાહોર લાયન્સ તરફથી રમતા 20 ચોગ્ગા ફટકાર્યા હતા. તો લિથે 17 ઓગસ્ટ 2017ના યોર્કશર તરફથી રમતા નોર્થટંસ વિરુદ્ધ 20 ચોગ્ગા લગાવ્યા હતા. 


ફિન્ચના નામે છે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. ફિન્ચે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમેલી 172 રનની ઈનિંગમાં 16 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ટી20મા કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વાધિક સ્કોર પણ છે. 



મૂનીના કરિયરની બીજી સદી
આ ટી20 આંતરરાષ્ટ્રીયમાં મૂનીની બીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 70 બોલ પર 19 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 117 રન બનાવ્યા હતા. 


અટાપટ્ટુની શાનદાર ઈનિંગ
શ્રીલંકાની ટીમે આ મેચમાં 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 20 ઓવરમાં તેની ટીમ 7 વિકેટ પર 176 રન બનાવી શકી હતી. પરંતુ તેની કેપ્ટન સી. અટાપટ્ટુએ શાનદાર સદી ફટકારી હતી. અટાપટ્ટુએ 66 બોલ પર 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા.