AUS vs NZ: ઓસ્ટ્રેલિયા બન્યું ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને હરાવી પ્રથમવાર જીતી ટ્રોફી
ICC T20 World cup 2021: આખરે ઓસ્ટ્રેલિયાનું ટી20 વિશ્વકપનું ફાઇનલ જીતવાનું સપનું પૂરુ થઈ ગયું છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપી પ્રથમવાર ટી20 વિશ્વકપ પર કબજો કર્યો છે.
દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ-2021 (ICC T20 World cup 2021)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપી ટ્રોફી કબજે કરી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમવાર આઈસીસી ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે. ટી20 વિશ્વકપમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડ ટીમનું ટ્રોફી જીતવાનું સપનું રોળાય ગયું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 173 રન કરી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (53) અને મિચેલ માર્શ (77*) એ શાનદાર અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજીવાર ટી20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા 2010ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો.
આરોન ફિન્ચ ફરી ફ્લોપ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચ માટે આ વિશ્વકપ સારો રહ્યો નથી. ફિન્ચ આજે ફાઇનલમાં પણ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટે ફિન્ચને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં 1 વિકેટે 43 રન બનાવ્યા હતા.
ડેવિડ વોર્નરે ફટકારી અડધી સદી
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર ડેવિડ વોર્નરે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. વોર્નરે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે પ્રથમ વિકેટ જલદી ગુમાવ્યા બાદ વોર્નરે માર્શ સાથે મળીને બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી પણ કરી હતી. વોર્નર 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 53 રન બનાવી આઉટ થયો હતો.
મિશેલ માર્શની અડધી સદી
મિચેલ માર્શે ટી20 કરિયરની છઠ્ઠી અડધી સદી અને વિશ્વકપમાં બીજી અડધી સદી ફટકારી છે. માર્શે 31 બોલમાં 4 સિક્સ અને ત્રણ ફોર સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 77 રન બનાવ્યા હતા. મેક્સવેલે 18 બોલમાં ચાર ફોર અને 1 સિક્સ સાથે અણનમ 28 રન બનાવ્યા હતા.
કેન વિલિયમસને રમી સૌથી મોટી ઈનિંગ
ટી20 વિશ્વકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને દમદાર ઈનિંગ રમી હતી. ફાઇનલ પહેલા ટૂર્નામેન્ટમાં એકપણ અડધી સદી ન ફટકારનાર કેને ફાઇનલ જેવી મોટી મેચમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 170ને પાર કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 85 રન ફટકાર્યા હતા. વિલિયમસને ટી20 વિશ્વકપની ફાઇનલમાં સૌથી મોટી ઈનિંગ રમવાના મામલે મોર્લન સેમ્યુલસની બરોબરી કરી લીધી છે. સેમ્યુલસે 2016 ટી20 વિશ્વકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 85 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની ધીમી શરૂઆત
ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ અને ડેરેલ મિચેલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. મિચેલ 11 રન બનાવી ચોથી ઓવરમાં હેઝલવુડનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે માત્ર 32 રન બનાવ્યા હતા. તો 10 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં 1 વિકેટે 57 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડના અન્ય બેટર મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ
ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. ગુપ્ટિલ ઝમ્પાનો શિકાર બન્યો હતો. ગ્લેન ફિલિપ્સ 17 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. જેમ્સ નીશામે અણનમ 13 અને સેઇફર્ટે અણનમ 8 રન બનાવ્યા હતા.
જોશ હેઝલવુડનો શાનદાર સ્પેલ
ઓસ્ટ્રેલિયા તરફથી વિશ્વકપ ફાઇનલમાં હેઝલવુડે દમદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય એડમ ઝમ્પાએ 4 ઓવરમાં 26 રન આપી એક સફળતા મેળવી હતી. આ સિવાય સ્ટાર્કે 4 ઓવરમાં એકપણ વિકેટ લીધા વગર 60 રન આપી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube