મેલબોર્નઃ નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ રવિવારે મેલબોર્નમાં 107માં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ફાઇનલની સાથે આધુનિક યુગની 'બેજોડ હરીફાઇ'ને નવા મુકામ પર પહોંચાડશે. વિશ્વના આ બે ટોપના ખેલાડીઓના નામે કુલ મળીને 31 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ નોંધાયેલા છે અને બંન્ને પોતાના ખિતાબોની સંખ્યામાં વધારો કરવા ઈચ્છશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2 કલાકે શરૂ થશે. આ ફાઇનલનું સીધુ પ્રસારણ સોની સિક્સ પર જોઈ શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 વર્ષનો જોકોવિચ જો જીત મેળવે તો તે રેકોર્ડ સાતમી વખત નોર્મન બ્રૂક્સ ટ્રોફીને પોતાના હાથમાં ઉપાડશે, જ્યારે 32 વર્ષનો નડાલ જો 2009 બાદ મેલબોર્ન પાર્કમાં બીજીવાર ટાઇટલ જીતે તો તે ઓપન યુગમાં તમામ ચાર ગ્રાન્ડસ્લેમ ઓછામાં ઓછા બે વાર જીતનાર પ્રથમ ખેલાડી બની જશે. 


નડાલનું આ 18મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હશે અને તે સર્વકાલિન સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલોની સંખ્યાના મામલામાં રોજર ફેડરરના 20 ટાઇટલની નજીક પહોંચી જશે. જોકોવિચ જો ટાઇટલ જીતે તો તે 15માં ટાઇટલ સાથે પીટ સૈમ્પ્રાસને પછાડીને સર્વાધિક ટાઇટલ જીતનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. 



જોકોવિચ અને નડાલ વચ્ચે 53મો મેચ યોજાશે, જ્યારે બંન્ને ખેલાડીઓ આઠમી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં આમને-સામને હશે. બંન્ને વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચમાં જોકોવિચે 27 અને નડાલે 25માં જીત મેળવી છે. 


ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં નડાલનું પલડું ભારે છે જ્યાં તેણે ચાર જીત મેળવી છે જ્યારે જોકોવિચ ત્રણ વાર જીત્યો છે. નડાલ જોકોવિચ વિરુદ્ધ છેલ્લા ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઇનલ જીતવામાં સફળ રહ્યો છે. 


ગ્રાન્ડસ્લેમના તમામ પ્રકારના મેચમાં નડાલનું જોકોવિચ પર પલડુ ભારે રહ્યું છે. તેણે નવ મેચમાં જીત મેળવી છે, જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓપન યુગમાં ક્યારેય બે ખેલાડીઓ વચ્ચે આટલા મુકાબલા થયા નથી અને ન કોઈની આટલી કાંટાની ટક્કર થઈ છે. 



બંન્ને વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમાયેલી છેલ્લી ફાઇનલ 2012માં રેકોર્ડ પાંચ કલાક 53 મિનિટ ચાલી હતી. આ ગ્રાન્ડ સ્લેમના ઈતિહાસમાં સૌથી લાંબો અને કેટલાક લોકો પ્રમાણે સૌથી શાનદાર ફાઇનલ હતો. 


જોકોવિચે અંતિમ સેટ 7-5થી જીતીને ટાઇટલ તેના નામે કર્યું હતું, પરંતુ ત્યારબાદ બંન્ને ખેલાડીઓ એટલા થાકી ગયા હતા કે પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન ઉભા થવામાં પણ મુશ્કેલી થતી હતી.