વર્લ્ડ કપ 2019 AUSvsSL: શ્રીલંકાને 87 રનથી હરાવી ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યું
આઈસીસી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા શ્રીલંકાને 87 રનથી પરાજય આપ્યો છે.
લંડનઃ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમેયાલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019ની 20મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રનથી પરાજય આપીની ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 334 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 45.5 ઓવરમાં 247 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન ફિન્ચે 153, સ્મિથે 73 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સ્ટાર્કે 4, રિચર્ડસને 3 અને કમિન્સે બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન કરૂણારત્નેએ સૌથી વધુ 97 રન બનાવ્યા હતા.
આ વિજય સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. કાંગારૂ ટીમે પાંચમી મેચમાં ચોથો વિજય મેળવ્યો છે. જ્યારે શ્રીલંકન ટીમનો પાંચમી મેચમાં તેનો બીજો પરાજય છે. શ્રીલંકાએ એક મેચમાં વિજય મેળવ્યો છે અને તેની બે મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.
કુસલ પરેરા અને કરૂણારત્નેની 115 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમે 13મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કરી લીધા હતા. કુસલ પરેરા (52) અને કરૂણારત્નેએ પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાને સ્ટાર્કે પ્રથમ સફળતા અપાવી હતી. તેણે કુસલ પરેરાને બોલ્ડ કર્યો હતો. પરેરાએ 46 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કરૂણાનરત્ને (97) રન બનાવી કેન રિચર્ડસનનો શિકાર બન્યો હતો. તેણે 108 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
સ્ટાર્કનો ધાતક સ્પેલ, શ્રીલંકાનો ધબડકો
શ્રીલંકાએ 153 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. થિરિમાને (16) રન પર બેહરેનડોર્ફનો શિકાર બન્યો હતો. એલેક્સ કેરીએ તેનો કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાનો ધબડકો શરૂ થયો હતો. સ્ટાર્કે બે ઓવરમાં કુસલ મેન્ડિસ (30), મિલિંદા સિરિવ્રદાંના (3) અને થિસારા પરેરા (7)ને આઉટ કર્યાં હતા. એન્જેલો મેથ્યુસ (9)ને પેટ કમિન્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મલિંગા (2)ને કેન રિચર્ડસને આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 55 રન આપીને 4, રિચર્ડસને 47 રન આપીને 3, કમિન્સે 38 રન આપીને બે તથા બેહરેનડોર્ફે 59 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ફિન્ચે 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરમાં 7 વિકેટ પર 334 રન ફટકાર્યા હતા. તેના તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 153 રન બનાવ્યા હતા. તેણે 132 બોલનો સામનો કરતા 15 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
ફિન્ચ આ વિશ્વકપમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન
ફિન્ચે કરિયરની 14મી અને વિશ્વકપની બીજી સદી ફટકારી હતી. તે આ વિશ્વકપમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન છે. ફિન્સે સ્મિથની સાથે 173 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથ 73 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગ્લેન મેક્સવેલ 46 રન બનાવી અમનમ રહ્યો હતો. શ્રીલંકા માટે ઉડાના અને ધનંજય ડિ સિલ્વાએ બે-બે વિકેટ ઝડપી હતી.
ફિન્ચ-વોર્નર વચ્ચે 80 રનની ભાગીદારી
ડેવિડ વોર્નર 48 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેને ધનંજય ડિ સિલ્વાએ બોલ્ડ કર્યો હતો. વોર્નર-ફિન્ચે પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ઉસ્માન ખ્વાજાને ધનંજય ડિ સિલ્વાએ આઉટ કર્યો હતો. તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. ટૂર્નામેન્ટમાં તેનું ખરાબ ફોર્મ ચાલી રહ્યો છે. તે પાંચ મેચમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી. શોન માર્શ ત્રણ રન બનાવીને ઉડાનાનો શિકાર બન્યો હતો.
મેક્સવેલે પ્રદીપની ઓવરમાં ફટકાર્યા 22 રન
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 45મી ઓવર કરવા માટે નુવાન પ્રદીપ આવ્યો હતો. સ્ટ્રાઇક પર ઝડપી રન બનાવવા જાણીતો મેક્સવેલ હતો. તેણે ઓવરમાં કુલ 22 રન ફટકાર્યા હતા. આ દરમિયાન ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પ્રદીપે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા. તે વિશ્વકપની મેચમાં શ્રીલંકા તરફથી સૌથી વધુ રન આપનાર બીજો બોલર છે. તેણે આ મામલે થિસારા પરેરાને પાછળ છોડી દીધો હતો. પરેરાએ 2015માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 87 રન આપ્યા હતા. આ મામલામાં પ્રથમ સ્થાન પર અસાંતે ડી મેલ છે. તેણે 1987ના વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 97 રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એલેક્સ કેરી (4) અને પેટ કમિન્સ (0) રન આઉટ થયાં હતા.
શ્રીલંકા તરફથી ઉડાનાએ 10 ઓવરમાં 57 રન આપીને બે, ધનંજય ડિ સિલ્વાએ 8 ઓવરમાં 40 રન આપીને 2 તથામ મલિંગાએ 10 ઓવરમાં 61 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.