બેડમિન્ટનઃ સાઈના નેહવાલ, પી.કશ્યમપ, સાઈ પ્રણીત અને સમીર વર્મા ક્વાર્ટર ફાઈનલમાં
સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યમ આ ટૂર્નામેન્ટમાં બે-બે વખત વિજયી થઈ ચૂક્યા છે, સમીર વર્માએ આ ટાઈટલ એક વખત જીત્યું છે
લખનઉઃ સ્ટાર શટલર સાઈના નેહવાલે સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વધુ એક વિજય મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. છેલ્લા વર્ષના ચેમ્પિયન સમીર વર્મા, બી.સાઈ પ્રણીત અને બે વખતના પૂર્વ ચેમ્પિયન પારૂપલ્લી કશ્યપ પણ પોતાના મુકાબલા જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ગુરૂસાઈ દત્તને પ્રી-ક્વાર્ટરમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ભારતમાં યોજાતી સૌથી મોટી ઈનામી રકમની બેડમિન્ટન ટૂર્નામેન્ટ છે. તેની કુલ ઈનામી રકમ 1,50,000 ડોલર (લગભગ રૂ.1.07 કરોડ) છે.
બીજી ક્રમાંકિત સાઈના નેહવાલે ગુરૂવારે મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટરમાં પોતાના જ દેશની અમોલિકા સિંહ સિસોદિયાને સરળતાથી હરાવી હતી. અમોલિકા સ્ટાર શટલર સામે 25 મિનિટ સુધી જ રમી શકી અને સીધી ગેમમાં 14-21, 9-21થી હારી ગઈ હતી. સાઈના નેહવાલ સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ત્રણ વખત જીતી ચૂકી છે.
અમેરિકાને હરાવ્યા બાદ હવે સાઈનાની ટક્કર પોતાના જ દેશની ખેલાડી રિતુપૂર્ણા દાસ સાથે થશે. રિતુપૂર્ણાએ પ્રી-ક્વાર્ટરમાં ભારતની જ એમ.શ્રૃતિને 21-11, 21-15થી હરાવી હતી. ભારતની સાઈ ઉત્તેજિતા રાવે પણ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે ભારતની જ રેશમા કાર્તિકને 21-12, 21-15થી હરાવી હતી. હવે તેની ટક્કર ક્વાર્ટર ફાઈનલમાં ચીનની લી. શુરેઈ સાથે થશે.
પુરુષ સિંગલ્સમાં તમામ ખેલાડીઓનો વિજય
પુરુષ સિંગલ્સમાં ભારતના તમામ પ્રમુખ ખેલાડીઓએ વિજય મેળવ્યો છે. ત્રીજા ક્રમાંકિત સમીર વર્માએ ચીનના ઝાઓ જુનપેંગને 39 મિનિટની ગેમમાં 22-20, 21-17થી હરાવ્યો હતો. હવે ક્વાર્ટરમાં સમીર ચીનના જેકી ઝોઊ સામે ટકરાશે.
આ અગાઉ ચોથા ક્રમાંકિત સાઈ પ્રણીતે ઈન્ડોનેશિયાના શેસર હિરેનને સીધી ગેમમાં 21-12, 21-10થી હરાવ્યો હતો. ક્વાર્ટરમાં તેની ટક્કકર ચીનના લુ ગુઆંઝુ સાથે થશે, જેણે ભારતના શુભાંકરક ડે ને 21-13, 21-10થી હરાવ્યો હતો.
પારૂપલ્લી કશ્યપે ફિરમેન અબ્દુલ ખોલિકને હરાવવા માટે 57 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો. ઈન્ડોનેશિયાના ફિરમેન અબ્દુલે કશ્યપને પ્રથમ ગેમમાં 21-9થી હરાવ્યો હતો. જોકે, ત્યાર બાદ ભારતીય શટલરે પુનરાગમન કરતાં બીજી ગેમ જીતીને સેટ 1-1થી બરાબર કર્યો હતો. પારૂપલ્લીએ ત્રીજી ગેમમાં ફિરમેનને જીતવા દીધો ન હતો. આ રીતે તેણે 9-21, 22-20, 21-8થી મેચ જીતી લીધી હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં કશ્યપની ટક્કર થાઈલેન્ડના સિતિકોમ થમાસિન સાથે થશે.
અન્ય એક પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ભારતના ગુરૂસાઈ દત્તને પરાજયનો સામનો કરવો પડ્યો. તેને ઈન્ડોનેશિયાના વિકી અન્ગા સુપુત્રએ 21-10, 7-21, 21-14થી હરાવ્યો હતો.