બેડમિન્ટનઃ વિશ્વ ચેમ્પિયન કેંતો મોમોતા ચીન ઓપનમાં બન્યો ચેમ્પિયન
જાપાનના મોમોતાએ આ વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપ, એશિયા ચેમ્પિયનશિપ અને હવે વિશ્વ ટૂરની ચાર સ્પર્ધા જીતી છે.
શંઘાઈઃ વિશ્વ ચેમ્પિયન કેંતો મોમોતાએ રવિવારે કમાલનું પ્રદર્શન કરતા બેડમિન્ટન ફુઝોઉ ચીન ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. દુનિયાની નંબર એક જાપાની ખેલાડી 66 મિનિટમાં તાઇવાનના ચોથા ક્રમાંકિત ચોઉ ટિએન ચેનને ત્રમ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં પરાજય આપ્યો. મોમોતાએ 21-13, 11-21, 21-16થી ફાઇનલ જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.
24 વર્ષીય મોમોતાએ આ વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપ, એશિયા ચેમ્પિયનશિપ અને હવે વિશ્વ ટૂરની ચાર સ્પર્ધામાં ટાઇટલ જીત્યા. તેમણે તાઇવાની ખેલાડી વિરુદ્ધ પ્રથમ ગેમ 21-13થી જીતી પરંતુ ચોઉએ બીજી ગેમમાં વાપસી કરી અને 21-11થી જીતીને સ્કોર બરાબર કરી લીધો હતો. નિર્ણાયલ ગેમમાં મોમોતાએ 21-16થી જીત મેળવીને ટ્રોફી તેના નામે કરી લીધી હતી.
મોમોતાએ ઓક્ટોબરમાં ડેનમાર્ક ઓપનમાં પણ તાઇવાનના ખેલાડી ચોઉને પરાજય આપ્યો હતો.