નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી માટે વર્ષ 2018 શાનદાર રહ્યું, જેમાં બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે  ઐતિહાસિક મેડલોની સાથે આ ગેમ્સના નવા સિતારા બનીને ઉભર્યા તો સુશીલ કુમાર અને સાક્ષી મલિક  જેવા ઓલમ્પિક રેસલર લય મેળવવા માટે સંઘર્ષ કરતા રહ્યાં. પહેલવાનો માટે સારા સમાચાર તે પણ  રહ્યાં કે, વર્ષ પૂરુ થતા પહેલાં રાષ્ટ્રીય મહાસંઘે લગભગ 150 ખેલાડીઓને ગ્રેડ સિસ્ટમ હેઠળ લાવ્યું. આ  પ્રથમવાર છે, જ્યારે ભારતીય રેસલરોને મહાસંઘ પાસેથી કેન્દ્રીય કરાર મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજરંગ અને વિનેશે મેડલ જીતવાની સાથે જે રીતે પ્રદર્શન કર્યું તે વધુ શાનદાર હતું તેના પ્રદર્શનથી બે  વર્ષ કરતા ઓછા સમયમાં ટોક્યોમાં યોજાનારા ઓલમ્પિક રમતોમાં કુશ્તીમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ  મેડલની આશા જગાવી દીધી છે. ઓલમ્પિકની વાત કરીએ તો ભારત માટે બે વ્યક્તિગત મેડલ  જીતનાર એતમાત્ર રેસલર સુશીલ કુમાર અને ઓલમ્પિક મેડલ જીતનારી સાક્ષી મલિક માટે આ વર્ષ  નિરાશાજનક રહ્યું છે. 


સુશીલે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જરૂર જીત્યો, પરંતુ ત્યાં તેને ટક્કર આપનાર કોઈ મજબૂત  રેસલર નહતો. સાક્ષી રાષ્ટ્રમંડળ ગેમ્સની સાથે એશિયન ગેમ્સમાં પણ તેનો પ્રભાવ છોડવામાં અસફળ  રહી હતી. ગોલ્ડકોસ્ટમાં યોજાયેલા રાષ્ટ્રમંડળ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષીએ પણ સ્વીકાર્યું કે,  તેને માનસિક રીતે વધુ મજબૂત બનાવાની જરૂર છે. 


સુશીલ એશિયન ગેમ્સના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો, પરંતુ તે માનવા તૈયાર નથી કે,  તેની ક્ષમતામાં ઘટાડો થયો છે. તે ટોક્ટો ઓલમ્પિકમાં ફરી એકવાર પોતાની નસીબ ચમકાવવા ઈચ્છે  છે. ગોંડામાં હાલમાં સંપન્ન થયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આ ખેલાડીઓને કોઈ ટક્કર ન મળી અને  બંન્ને ખેલાડીઓએ પોતાના ભાર વર્ગમાં વિજય મેળવ્યો હતો. 



વિનેશ
બજરંગ અને વિનેશે જે રીતે રાષ્ટ્રમંડળ ગેમ્સ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તે ખાસ  છે. કુશ્તીમાં એશિયાનો દબદબો માનવામાં આવે છે અને તેવામાં એશિયન પહેલવાનોને પરાજય  આપીને ગોલ્ડ જીતવો મોટી સિદ્ધિ છે. વિનેશ ઈજાને કારણે મેડલોની યાદીમાં વિશ્વ ચેમ્પિયનશિપને  સામેલ ન કરી શકી, તો બજરંગે આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને વર્ષની તમામ મોટી ટૂર્નામેન્ટમાં  મેડલ જીતવાનું કારનામું કર્યું હતું. ફાઇનલમાં તેની હારે નબળા ડિફેન્સને ઉઘાડો પાડ્યો હતો. 


અન્ય ફોગાટ બહેનોમાં ઋુતુ, સંગીતા, બબીતા અને ગીતા માટે પણ આ વર્ષ ખાસ ન કર્યું, પરંતુ એક  ખેલાડીએ ભારતીય કુશ્તીમાં તેની ઓળખ બનાવી, તે છે પૂજા ઢાંડા. રાષ્ટ્રમંડળ ખેલોમાં ગોલ્ડ મેડલ  જીતનારી આ ખેલાડીએ વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તે આમ કરનારી ચોથી  ભારતીય મહિલા બની હતી. આ પહેલા અલકા તોમર, ગીતા અને બબીતાએ વિશ્વ ચેમ્પિયનશિપમાં  મેડલ જીત્યા હતા. 


ભારતીય કુશ્તી મહાસંઘે ટાટા મોટર્સની સાથે મુખ્ય પ્રાયોજક તરીકે કરાર કર્યો, જેનો ફાયદો 150  રેસલરોને કેન્દ્રીય કરારના રૂપમાં મળ્યો. તેમાં એ ગ્રેડના ખેલાડીઓને 30 લાખ રૂપિયા આપવામાં  આવશે. આ ગ્રેડમાં પહેલા બજરંગ, વિનેશ અને પૂજાનું નામ હતું, પરંતુ બાદમાં મહાસંઘે સુશીલ અને  સાક્ષીનું નામ આ યાદીમાં જોડ્યું હતું. 


આ સાથે ડબ્લ્યૂએફઆઈ પ્રથમવાર આ ગેમ્સમાં દબદબો રાખનાર ઈરાનના કોચની સેવાઓ લેવામાં  પણ સફળ રહ્યું છે. ઈરાનના હોસૈન કરીમી, અમેરિકાના એંડ્રયૂ કૂક અને જોર્જિયાના તેમો કાતારાશિવિલિ  સાથે મહાસંઘે એક વર્ષનો કરાર કર્યો છે.