બેંગલોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 54મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપીને તેની બાજી ખરાબ કરી હતી. આ સાથે બેંગલોરે વિજય સાથે ટૂર્નામેન્ટમાંથી વિદાય લીધી છે. હવે હૈદરાબાદે પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ કોલકત્તાને હરાવે તે દુવા કરવી પડશે. હૈદરાબાદે કેન વિલિયમ્સનની અડદી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. હૈદરાબાદના 14 મેચોમાં 6 જીતની સાથે 12 પોઈન્ટ છે. જ્યારે આરસીબીએ 14 મેચોમાં 5 જીતની સાથે ટૂર્નામેન્ટનું સમાપન કર્યું છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

176 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. પાર્થિવ પટેલ પ્રથમ ઓવરમાં શૂન્ય રન પર ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં વિરાટ કોહલી ખલીલ અહમદની ઓવરમાં વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીએ 7 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની સાથે 16 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે એબી ડિવિલિયર્સ (1)ને આઉટ કરીને આરસીબીને ત્રીજો ઝટકો આપ્યો હતો. બેંગલોરે 20 રનમાં પોતાના ત્રણ મહત્વના બેટ્સમેનો ગુમાવી દીધા હતા. 


શિમરોન હેટમાયર અને ગુરકીરત સિંહ માનની શાનદાર બેટિંગ
એક સમયે બેંગલોરે 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતા ટીમ મુશ્કેલીમાં હતી. પરંતુ ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર અને ગુરકીરત માન સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હેટમાયરે આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે હૈદરાબાદના સ્ટાર બોલર રાશિદ ખાનને ટાર્ગેટ કર્યો હતો. તો બીજી તરફ બંન્ને બેટ્સમેનોએ 100 રનની ભાગીદારી પણ પૂરી કરી હતી. આ દરમિયાન ગુરકીરત માને આઈપીએલ કરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. 


બંન્નેએ ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. હેટમાયર (75) ઈનિંગની 18મી ઓવરમાં રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. તેણે 47 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ગુરકીરત માન સિંહ (65) ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. તેણે 48 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ વોશિંગટન સુંદર (0) ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. 


કેપ્ટન કેન વિલિયમ્સન (અણનમ 70)ની મજબૂત ઈનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. આઠમી ઓવરમાં મેદાન પર પર રાખનાર વિલિયમ્સને વિકેટોના પડતા સિલસિલા વચ્ચે એક છેડો સંભાળી રાખ્યો અને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને એક મજબૂત લક્ષ્ય સુધી પહોંચાડ્યું હતું. 


તેણે પોતાની ઈનિંગમાં 43 બોલનો સામનો કર્યો હતો, અને પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. વિલિયમ્સને અંતિમ ઓવરમાં 28 રન ફટકાર્યા હતા. ઉમેશ યાદવે ફેંકેલી ઓવરમાં વિલિયમ્સને બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. બેંગલોર માટે વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડરી હતી. નવદીપ સૈનીને બે સફળતા મળી હતી. હૈદરાબાદની ઓપનિંગે જોડી ઋૃદ્ધિમાન સાહા અને માર્ટિન ગુપ્ટિલે આક્રમક શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે 46 રન જોડ્યા હતા. 11 બોલ પર ચાર ચોગ્ગાની મદદથી 20 રન બનાવનાર સાહાની વિકેટની સાથે ભાગીદારીનો અંત સૈનીએ કર્યો હતો. 


ગુપ્ટિલની ઈનિંગ પર બ્રેક ઓફ સ્પિનર સુંદરે લગાવી હતી. સુંદરે કીવી બેટ્સમેનને 60ના કુલ સ્કોર પર કેપ્ટિન કોહલીના હાથે કેચ કરાવ્યો હતો. ગુપ્ટિલે 23 બોલ પર બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. ગત મેચનો હીરો મનીષ પાંડે નવ રન બનાવી શક્યો હતો. તે 61ના કુલ યોગ પર સુંદરનો બીજો શિકાર બન્યો હતો. 


વિજય શંકર સારી બેટિંગ કરી રહ્યો હતો. હૈદરાબાદને તેની પાસે મોટી ઈનિંગની આશા હતી, ત્યારે સુંદરે શંકરને કોલિન ડિ ગ્રાન્ડહોમની મદદથી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. શંકરે 18 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. યૂસુફ પઠાણ માત્ર ત્રણ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. મોહમ્મદ નબી અને રાશિદ ખાન પણ નિષ્ફળ રહ્યાં હતા. બંન્નેએ ક્રમશઃ ચાર અને એક રન બનાવ્યો હતો. અહીંથી કેને બાજી સંભાળી હતી. અંતિમ પાંચ ઓવરોમાં મહેમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 53 રન જોડ્યા હતા. સુંદર અને સૈની સિવાય બેંગલોર માટે ચહલ અને કુલવંત ખેજરોલિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.