એન્ટીગુઆઃ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની શ્રેણીના પ્રથમ મેચમાં મહેમાન બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 43 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. આ બાંગ્લાદેશનો ટેસ્ટમાં અત્યાર સુધીનો સૌથી ઓછા સ્કોર છે. કેરેબિયન બોલરોની સામે બાંગ્લાદેશની ટીમ હવાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. આખી ટીમ 18.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લિટન દાસ એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે બે આંકડામાં સ્કોર કર્યો. તેણે 25 રન બનાવ્યા. 4 બેટ્સમેન તો ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ અને રહીમ જેવા મોટા નામ ફ્લોપ રહ્યા હતા. 


આ પહેલા વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પાંચમી ઓવરમાં 10 રન પર ટીમનો સ્કોર હતો ત્યારે તમીમ ઇકબાલના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો. ત્યારબાદ બાંગ્લાદેશી બેટ્સમેનોનો તું જા હું આવું છુંનો સિલસિલો ચાલુ થયો અને ટીમ ટેસ્ટ મેચમાં 20 ઓવર પણ ન રમી શકી. વેસ્ટઇન્ડિઝ તરફથી કેમાર રોચે 5 ઓવરમાં 8 રન આપીને 5 વિકેટ ઝડપી. એમ. કમિન્સે 3 અને જેસન હોલ્ડરને 2 સફળતા મળી હતી.