બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોચને હટાવ્યા, વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન બન્યું કારણ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા 12મા વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શનથી બહાર થયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કોચને હટાવી દીધા છે. ટીમે હેડ કોચનો કાર્યકાળ સમાપ્ત થયા પહેલા તેને રજા આપી દીધી છે. મહત્વનું છે કે આઈસીસી વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમ લીગ સ્ટેજમાંથી બહાર નિકળી ગઈ હતી. ત્યારબાદ ક્રિકેટ બોર્ડે કોચને હટાવવાનો નિર્ણય લીધો છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા 12મા વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ 9 મેચોમાં માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી હતી. પાંચ મેચમાં તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ 7 પોઈન્ટ મેળવીને આઠમાં સ્થાને રહી છે. ટીમના નિરાશાજનક પ્રદર્શનથી ગુસ્સે ભરાયેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમના હેડ કોચ રોડ્સને રજા આપી દીધી છે.
બાંગ્લાદેશ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ સ્ટીવ રોડ્સનો બોર્ડની સાથે 2018થી 2020 સુધીનો કરાર હતો. તેણે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપ સુધી બાંગ્લાદેશ ટીમને કોચિંગ આપવાનું હતું. પરંતુ વિશ્વ કપમાં ટીમના પ્રદર્શન બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને કોચ સ્ટીવ રોડ્સે આપસી સહમતી બાદ કરારને પૂરો કરવાનો નિર્ણય લીધો છે.
World Cup 2019: રિવાબાએ વ્યક્ત કરી ખાસ ઈચ્છા, કહ્યું 'મારી ઈચ્છા છે કે રવિન્દ્ર....'
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સીઈઓ નિઝામઉદ્દીન ચૌધરીએ કહ્યું કે, અમે અને હેડ કોચે આપસી સહમતીની સાથે કરાર પૂરો કરવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણયને તત્કાલ લાગૂ કરવામાં આવશે. મહત્વનું છે કે બાંગ્લાદેશની ટીમ આ મહિનાના અંત સુધી ત્રણ મેચોની સિરીઝ શ્રીલંકા વિરુદ્ધ રમશે. આ સિરીઝમાં ક્રિકેટ બોર્ડ કોને કોચ બનાવશે તે અત્યાર સુધી સામે આવ્યું નથી.