World cup 2019: બાંગ્લાદેશની ટીમ જાહેર, ઈજા બાદ શાકિબની વાપસી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ માટે પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમના સીનિયર ખેલાડી શાકિબ ઉલ હસનની ઈજા બાદ વાપસી થઈ છે.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાનારા 12માં વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. 15 સભ્યોની ટીમની કમાન અનુભવી ફાસ્ટ બોલર મુશરફે મુર્તજા સંભાળશે. શાકિહ અલ હસનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી એક પણ વનડે ન રમનારા ફાસ્ટ બોલર અબુ ઝાયદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઝાયદે ગત વર્ષે ટેસ્ટ અને ટી20માં પર્દાપણ કર્યું હતું, પરંતુ વનડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. તેણે 5 ટેસ્ટમાં 11 અને ત્રણ ટી20 મેચમાં ચાર વિકેટ ઝડપી છે.
મધ્યમક્રમમાં બેટ્સમેન મોસાદેક હુસૈનની ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે એશિયા કપની ટીમમાં હતો. તેણે 24 વનડેમાં 31ની એવરેજથી 341 રન બનાવ્યા છે. તેના નામે 11 વિકેટ પણ છે.
વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમ પોતાનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 જૂને કેનિંગ્ટન ઓવરમાં રમશે. આ પહેલા પાકિસ્તાન (26 મે) અને ભારત (28 મે) વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ રમશે.
બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 મેએ થશે.
બાંગ્લાદેશ ટીમઃ મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.