કુઆલાલંપુરઃ બાંગ્લાદેશની મહિલાઓએ રોમાંચક મેચમાં છ વખતની ચેમ્પિયન ભારતને હરાવીને રવિવારે અહીં ટી-20 એશિયા કપનું ટાઇટલ જીતી લીધું. ભારત સિવાય પ્રથમવાર કોઇ અન્ય ટીમે આ ટાઇટલ જીત્યું છે. રાઉન્ડ રોબિન લીગમાં પણ ભારતને હરાવનાર બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 113 રન બનાવીને ભારત પર ત્રણ વિકેટે જીત મેળવવાની સાથે ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાનાએ સૌધી વધુ 27 અને રૂમાના અહમદે 23 રન બનાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત તરફથી પૂનમ યાદવે નવ રન આપીને ચાર વિકેટ ઝડપી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 19 રન આપીને બે વિકેટ ઝડપી. આ પહેલા ભારતે કેપ્ટન હરમનપ્રીત કૌર (56)ની શાનદાર અડધીસદીની મદદથી 9 વિકેટે 112 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ખાદિજા અને રૂમાનાને બે-બે સફળતા મળી હતી. 



ભારતે બાંગ્લાદેશને આપ્યો હતો 113 રનનો ટાર્ગેટ
કેપ્ટન હરમનપ્રીત કૌર (56)ની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી-20 એશિયા કપના ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 113 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 112 રન બનાવ્યા હતા. 


ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના (7) તથા મિતાલી રાજ (11) પ્રથમ વિકેટ માટે 11 રન જોડ્યા હતા. મંધાનાને કેપ્ટન સલમાન ખાતૂને રનઆઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. 


શરૂઆત ઝટકા બાદ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને ટીમનો સ્કોર 4 વિકેટ પર 32 રન થઈ ગયો હતો. હરમનપ્રીત તથા વેદા કૃષ્ણામૂર્તિ (11) વચ્ચે પાંચમી વિકેટ માટે 30 રનની ભાગીદારી થઈ. કૃષ્ણામૂર્તિને આઉટ કરીને આ ભાગીદારીને સલમા ખાતૂને તોડી. અંતિમ ઓવરોમાં ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (10) તથા હરમનપ્રીત વચ્ચે 33 રનની ભાગીદારી થઈ અને ભારતનો કુલ સ્કોર 112 રન પર પહોંચ્યો હતો. 


બાંગ્લાદેશ તરફથી ખાદિજા કુલ કુરબા અને રૂમાના અહમદે બે-બે વિકેટ ઝડપી જ્યારે સલમા ખાતૂન તથા અહાંઆરા આલમને એક-એક સફળતા મળી હતી.