વર્લ્ડકપ 2019 BANvsAUS: ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય, બાંગ્લાદેશને 48 રને હરાવ્યું
આઈસીસી વિશ્વ કપ 2019ની 26મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે.
નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 26મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (166), ઉસ્માન ખ્વાજા (88) અને ફિન્ચ (53)ની શાનદાર બેટિંગની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 381 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 333 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી મુશફીકુર રહીમ 102 રન બનાવી અણનમ રહ્યો હતો. આ વિજય સાથે ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જ્યારે બાંગ્લાદેશના છ મેચ બાદ પાંચ પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલિયાએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમને પ્રથમ ઝડકો રનઆઉટના રૂપમાં લાગ્યો હતો. સૌમ્ય સરકાર 10 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ તમીમ ઇકબાલ અને શાકિબ અલ હસને 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શાકિબ (41) રન પર સ્ટોઇનિસનો શિકાર બન્યો હતો. તેણે 41 બોલમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. તમીમ ઇકબાલ (62)ને મિશેલ સ્ટાર્કે બોલ્ડ કરીને બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો હતો. તમીમે 74 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ લિટન દાસ (20)ને એડમ ઝમ્પાએ LBW આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
મુશફીકુર રહીમે ફટકારી વિશ્વકપની પ્રથમ સદી
બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફીકુર રહીમે શાનદાર સદી ફટકારી હતી. તેણે 95 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ તેના વિશ્વકપ કરિયરની પ્રથમ અને કુલ 7મી સદી છે. તે 102 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કૂલ્ટર નાઇલ અને સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી. તો ઝમ્પાને એક સફળતા મળી હતી.
મુશફીકુર રહીમ અને મહમૂદુલ્લાહ વચ્ચે 127 રનની ભાગીદારી
બાંગ્લાદેશે 175 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન મુશફીકુર રહીમ અને મહમૂદુલ્લાહે પાંચમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. મહમૂદુલ્લાહ (69)ને નાથન કૂલ્ટર નાઇલે પેટ કમિન્સના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 50 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ શબ્બીર રહમાન (0)ને કૂલ્ટર નાઇલે બોલ્ડ કર્યો હતો. મેહદી હસન (6) રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો.
વોર્નરની વિશ્વ કપમાં બીજી સદી
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટ પર 381 રન બનાવ્યા હતા. તેના માટે ઓપનર ડેવિડ વોર્નરે 166 રનની ઈનિંગ રમી હતી. આ વિશ્વકપમાં આ તેની બીજી સદી છે. તેણે 147 બોલની ઈનિંગ દરમિયાન 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 89 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સૌમ્ય સરકારે ત્રણ વિકેટ ઝડપી હતી.
વોર્નરે જેસન રોયને છોડ્યો પાછળ
વોર્નર આ વિશ્વ કપમાં હાઈએસ્ટ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે જેસન રોયના 153 રનના પાછળ છોડી દીધા છે. આ મામલામાં એરોન ફિન્ચ (153) ત્રીજા, ઇયોન મોર્ગન (148 ચોથા) અને રોહિત શર્મા (140 રન) પાંચમાં સ્થાન પર છે. આ સાથે વોર્નર આ વિશ્વકપનો ટોપ સ્કોરર પણ બની ગયો છે. 6 ઈનિંગમાં તેના 447 રન થઈ ગયા છે. તેણે સાથી ઓપનર એરોન ફિન્ચ (396)ને પાછળ છોડી દીધો છે.
ખ્વાજા-વોર્નરે 192 રનની ભાગીદારી કરી
ખ્વાજા અને વોર્નરે બીજી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી. ખ્વાજાએ 72 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા કેપ્ટન એરોન ફિન્ચ 53 રન બનાવીને આઉટ થયો હતો. તેણે વનડેની 24મી અડધી સદી ફટકારી હતી. ગ્લેન મેક્સવેલ 9 બોલ પર 32 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેણે બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સ્ટીવ સ્મિથ (1) રન બનાવી આઉટ થયો હતો.
વોર્નરે સચિન-ગેલને છોડ્યા પાછળ
વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે વિશ્વકપમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. પહેલા નંબર પર પણ વોર્નર છે. તેણે 2015મા અફઘાનિસ્તાન વિરુદ્ધ 178 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર મેથ્યૂ હેડન છે. તેણે 2007મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 156 રન બનાવ્યા હતા. વોર્નરે છઠ્ઠી વખત 150+નો સ્કોર બનાવ્યો હતો. આ મામલામાં તેણે ક્રિસ ગેલ અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. બંન્નેએ 5-5 વખત 150+નો સ્કોર બનાવ્યો છે. આ મામલામાં પહેલા સ્થાન પર રોહિત શર્મા છે. તેણે 7 વખત આમ કર્યું છે. આ સાથે વોર્નર વિશ્વકપના ઈતિહાસમાં બે વખત 150થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.